Get The App

ગુજરાતમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાઈરલ થવા મામલે ખુલાસો, રાજકોટની હોસ્પિટલે કહ્યું- અમારા કેમેરા હેક

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
ગુજરાતમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાઈરલ થવા મામલે ખુલાસો, રાજકોટની હોસ્પિટલે કહ્યું- અમારા કેમેરા હેક 1 - image


Gujarat Hospital Scam : ડૉક્ટર દર્દીઓ માટે ભગવાનનું બીજું રૂપ હોય છે. જ્યાં દર્દી અને તેના પરિવારજનો ડૉક્ટર અને હૉસ્પિટલના સ્ટાફ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. ત્યારે ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાયવસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ વાઈરલ વીડિયો રાજકોટની 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું સામે આવ્યુ છે. આ મામલે પાયલ હોસ્પિટલના એડમિને સ્વીકાર કર્યો. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે, ત્યારે હોસ્પિટલના ડાયરેક્ટરે અમારા કેમેરા હેક થયા હોવાનું કહ્યું હતું. 

ગુજરાતની કલંકરૂપ ઘટનાનો પર્દાફાશ

વાત જાણે એમ છે કે કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર, બાળકના જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપના સીસીટીવી ફૂટેજના 5 હજારથી વધુ વીડિયો સોશિયલ મીડિયા ચેનલો, ટેલિગ્રામ, યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે. જે મહિલા દર્દીઓની પ્રાયવસીને ખતરામાં મૂકતી આ ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો છે. મેઘા MBBS નામની ટેલિગ્રામ ચેનલ પર વીડિયો અપલોડ થયો છે. આ વાઈરલ વીડિયોમાં ગુજરાતી ભાષામાં વાતચીત થઈ રહી હોવાનું સંભળાય છે. જોકે આ વાઈરલ વીડિયોની સંપૂર્ણ હકીકત હજુ સુધી સામે આવી નથી. આ જઘન્ય અપરાધ કોના દ્વારા કરવામાં આવ્યું છે તેની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. 

માત્ર 999 રૂપિયામાં મેમ્બરશિપ વેચાતી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર કેટલાક લોકો 999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર 15 જેટલા ગ્રૂપ બનાવવામાં આવ્યા છે જેમાં 5 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. અલગ અલગ ચેકઅપના ફોલ્ડર બનાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતના વીડિયો ઉપલબ્ધ છે. આ ફોલ્ડરમાં બાળક જન્મના 50, એક્સ-રેના 250થી વધુ, ઇન્જેક્શનના 250થી વધુ અને ગાયનેક તપાસના 2500થી વધુ વીડિયો ક્લીપ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. 

આ પણ વાંચો: અમદાવાદનો આ રેલવે ઓવરબ્રિજ આવતીકાલથી 10 દિવસ માટે રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

હાલમાં મેઘા એમબીબીએસ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રૂપની તપાસ ચાલુ છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે. સાયબર ક્રાઇમ આઇટી ઍક્ટ 66E અને 67 કલમ હેઠળ ગુનો નોંધશે. આઇપી એડ્રેસ ટ્રેસ કરી લીંક સુધી પહોંચવામાં આવશે. 

ACPએ શું કહ્યું ?

સમગ્ર મામલે ACPએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર અર્થે જતી મહિલાઓના વીડિયો યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલના પર વાઈરલ કરવામાં આવ્યા. આ મામલે  યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલના ક્રિએટર સામે તપાસ કરાશે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આઈટી એક્ટની કલમ 66-ઈ અને 67 હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.'

કોઈએ અમારા સીસીટીવી હેક કર્યા

રાજકોટની પાયલ મેટરનિટી હોમના ડાયરેક્ટર ડૉ. સંજય દેસાઈએ કહ્યું કે, 'અમારી હોસ્પિટલ  સાથે અનેક ગાયનેક ડૉક્ટર સંકળાયેલા છે. સમગ્ર મામલો અમારી જાણ બહાર છે. કોઈએ અમારા સીસીટીવી હેક કર્યા છે. જેને લઈને અમે ફરિયાદ કરવાના છીએ. સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કેમેરા રાખવામાં આવ્યા હતા.'

આ પણ વાંચો: અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના પોકળ દાવા 

ભારતીય સંસ્કૃતિ સ્ત્રીનું સન્માન સર્વોપરી ગણવામાં આવે છે એટલે જ સંસ્કૃતમાં જાણીતો શ્લોક છે, 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ'. જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું પૂજન થાય છે સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે. એવું કહેવાય છે કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં મહિલાઓ વધુ સુરક્ષિત છે. પરંતુ હકીકત તો કંઈક જુદી જ છે. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાંથી મહિલાઓના ચીર હરણ સમાન સનસનીખેજ ઘટના સામે આવી છે. આ ઘટના સમાજ અને ગુજરાત સરકાર બંને માટે નામોશી અને કલંકરૂપ ઘટના છે. 




Google NewsGoogle News