અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટના નામે મોટી રકમની થતી માંગ
ફેક ફેસબુક એકાઉન્ટ દ્વારા માંગવામા આવતી રકમ નહિ આપવા પૂર્વ ચેરમેન દ્વારા અપીલ કરાઈ
અમદાવાદ,શનિવાર,8 જુન,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટના
નામે ફેક ફેસબુક એકાઉન્ટથી રુપિયા ચાલીસ હજારથી એક લાખ સુધીની રકમ માંગવામા આવતા
તેમણે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.દોઢ મહિનામા બીજી
વખત તેમના એકાઉન્ટને હેક કરવામા આવ્યુ છે.પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તમામને
તેમના નામે માંગવામા આવતી રકમ ગુગલ પે કે અન્ય કોઈ પ્રકારે માંગણી કરનારને નહિ
આપવા અપીલ કરી છે.
થલતેજ વોર્ડના કોર્પોરેટર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના
પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટના નામે ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવી
તેમના પરિચિત લોકો પાસેથી મદદના નામે રકમ માંગવામા આવતી હોવાની જાણ થઈ હતી. હિતેશ
બારોટે કહયુ,શનિવારે
સાંજે આ બાબતની મને જાણ થઈ હતી. મારા પરિચયમાં એવા શીલજના કેતન પટેલ ઉપરાંત
બોડકદેવના પાર્શ્વ પરીખ, ઓગણજના રોહીત ભાઈ
તથા બીલાચીયાના એક એડવોકેટ જેવા વ્યકિતઓને તમારી પાસે ગુગલ પે છે? થોડી જરુર છે.કાલે
સવારે પાછા આપી દઈશ.એમ કહી વિશ્વાસમા લઈ રુપિયા ચાલીસ હજારથી લઈને એક લાખ સુધીની
રકમની માંગણી ફેક એકાઉન્ટ બનાવનાર વ્યકિત દ્વારા કરવામા આવી હોવાનુ મારા ધ્યાન ઉપર
મુકવામા આવતા આ બાબતની મને જાણ થઈ હતી.આ અંગે સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવવાની
તજવીજ શરુ કરી છે.