અમદાવાદમાં LD એન્જિનિયરિંગના પ્રોફેસરના આપઘાત મુદ્દે NSUIએ જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી
મોટાપાયે અધ્યાપકોની ખાલી જગ્યાને કારણે અન્ય કામોનું અતિ ભારણ રહે છેઃ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી
અમદાવાદઃ એલડી એન્જીનયરીંગ કોલેજના પ્રોફેસર નિમિશ શાહે પોતાના નિવાસ સ્થળ ગાંધીનગર ખાતે ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સ્યુસાઇડ નોટમાં કામના ભારણને કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે હવે NSUI પણ સામે આવ્યું છે. NSUIનો આક્ષેપ છે કે કામના ભારણથી કંટાળી એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે આપઘાત કર્યો છે. આક્ષેપ કરતાંની સાથે NSUIએ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસ બહાર ઉગ્ર દેખાવો પણ કર્યા હતા. NSUI દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
કોલેજના પ્રિન્સિપાલ ચાર દિવસથી રજા પર છે
આ મામલે એલડી એન્જીનયરીંગ કોલેજ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે કોલેજમાં કોઈ કામનું ભારણ હોતું નથી. તમામ લોકોને શૈક્ષણિક કામગીરી જ સોંપવામાં આવે છે. તમામ પ્રોફેસર પોતાના કામથી ખુશ છે. એલડી એન્જીનયરીંગ કોલેજના પ્રિન્સિપાલ રાજુલ ગજ્જર બનાવના દિવસથી 4 દિવસ રજા પર છે. આ ઉપરાંત આત્મહત્યાનો બનાવ બન્યાના 2 દિવસ થયા છતાં રાજુલ ગજ્જર હજુ હાજર થયા નથી. મૃતક પ્રોફેસરને ઇલેક્ટ્રિક મેન્ટેનન્સની કામગીરી સોંપવામાં આવી હતી. જે કામ PWD દ્વારા કરવામાં આવે છે પ્રોફેસરે લાઈટ,પંખા બંધ હોય તો તે કાગળ PWD માં આપવાના હતા.સ્કોલરશીપની કામગીરી માટે તેમને એક ટીમ પણ આપવામાં આવી હતી.
અધ્યાપકોની લાંબા સમયથી મોટા પાયે ખાલી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે, સ્વૈચ્છિક નિવૃત્તિ, વયનિવૃત્તિ, રાજીનામું, અન્ય નોકરીમાં જવું, બઢતી મળવી અને અવસાન થવું જેવી વિવિધ કારણોસર ગુજરાતની સરકારી ઈજનેરી ડીગ્રી-ડીપ્લોમાં કોલેજમાં સ્ટાફની મોટાપાયે અછત વર્તાઈ રહી છે. ડીગ્રી તથા ડીપ્લોમાં ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની લાંબા સમયથી મોટા પાયે ખાલી જગ્યાઓ છે. સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ-1ની 276 જગ્યા ખાલી, જેના કારણે પ્રોજેક્ટ, રીસર્ચ, ઇનોવેશનમાં પુરતું કામ થયું નથી.
આધ્યાપકોને 12 વર્ષે પણ ઉચ્ચ પગાર ધોરણ મળ્યું નથી
તેમણે કહ્યું હતું કે, સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ-૩ની 478માંથી 310 અને વર્ગ -4ની 265માંથી 197 બેઠકો ખાલી છે. 2744 મંજુર જગ્યાઓમાંથી ઇજનેરી કોલેજમાં અધ્યાપકની 500 સહીત એક હજાર જગ્યા ખાલી છે. મોટાપાયે અધ્યાપકોની ખાલી જગ્યાને કારણે અન્ય કામોનું અતિ ભારણ રહે છે. વિધાર્થીઓની ફી ઉઘરાવવી, બીલ બનવવાની કામગીરીઓ પ્રોફેસરો પાસે કરાવવામાં આવી રહી છે.ઈજનેરી ડીગ્રી-ડીપ્લોમાં કોલેજના અધ્યાપકો પાસેથી શિક્ષણ સિવાય વહીવટી કામનું અતિ ભારણ, શિક્ષણ પર પણ અસર થાય છે. જેનાથી પ્રાધ્યાપકો માનસિક તાણ અનુભવતા થયા છે. રાજ્ય સરકારની અનિર્ણિયકતાને કારણે સરકારી ઈજનેરી કોલેજના આધ્યાપકોને 12 વર્ષે પણ ઉચ્ચ પગાર ધોરણ મળ્યું નથી.