દારૂની પરમિટ માટે હવે રૂ.25 હજાર, રિન્યુઅલ માટે રૂ.20 હજાર ચૂકવવા પડશે, ગુજરાતમાં 45,000 લીકર પરમિટ ધારકો
Liquor permit News: સુરતીઓ ખાણી-પીણી માટે જગતભરમાં જાણીતા છે. સુરતમાં લિકર પરમિટ ધરાવતા શહેરીજનોનો ગ્રાફ તબક્કાવાર વધી રહ્યો છે. વર્તમાન સમયે 12500થી વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. નવી લિકર પરમિટ બનાવવા કે રિન્યુઅલ કરવા માટે નક્કી થયેલા ભાવોમાં સામી દિવાળીએ મોટી રકમનો વધારો કરવામાં આવ્યો છે. નવી પરમિટ મેળવવા હવે નવી સિવિલ હોસ્પિટલ સ્થિત રોગી કલ્યાણ સમિતિને 25,000નો તો પરમિટ રિન્યુ કરાવવા માટે 20,000 રૂપિયાનો ચાંદલો કરવો પડશે.
ગુજરાતમાં 45,000 લિકર પરમિટ ધારકો
દિવાળી આંગણે દસ્તક દઈ રહી છે. સુરતીઓના તહેવારની ઉજવણી દારૂ વિના અધૂરી રહે છે. ફિક્કી લાગે છે. તહેવારના દિવસોમાં લિકરની જબરદસ્ત ડિમાન્ડ રહેતી હોય બુટલેગરો પણ ચર્ચામાં રહે છે. બરાબર દિવાળી અગાઉ જ લિકર પરમિટ મેળવવા કે પરમિટ રિન્યુઅલ કરવાના ભાવોમાં નવી સિવિલ હોસ્પિટલ સ્થિત રોગી કલ્યાણ સમિતિએ તોતિંગ વધારો કરાયો છે.
જેને પગલે દિવાળીમાં દારૂનું સેવન કરવું હવે મોંઘું બનશે. રાજ્યમાં સ્વાસ્થ્ય કારણોસર દારૂ પીવા માટેની પરવાનગી મેળવનારા લોકોની કુલ સંખ્યા પ્રતિવર્ષ વધી રહી છે. સામી દિવાળીએ આ સંખ્યા 45000ને વટાવી ચૂકી હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. તો સંખ્યાબંધ લોકો નવી પરમિટ મેળવવા અરજી કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: હેં... ના હોય! દારૂ પીવા માટે પણ લાઈસન્સ? કેટલી હોય છે લાઈફટાઈમ ફી, જાણો કોને મળી શકે?
આ અરજદારોએ હવે લિકર પરમિટ મેળવવા 150 ટકા રકમ વધુ ખર્ચવાનો વખત આવ્યો છે. સુરત શહેરમાં લિકરની પરમિટના ભાવ બાબતે ગત મહિને મળેલી સંકલનની બેઠકમાં પરમિટના ભાવોમાં વધારો જબરદસ્ત વધારો કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને પગલે નવી લિકર પરમિટ કઢાવવા અત્યાર સુધી લેવામાં આવતા 10,000 રૂપિયા વધારી 25,000 કરાયા હતા.
આ જ પ્રમાણે પરમિટ રિન્યુ કરાવવા માટે લેવામાં આવતા પાંચ હજાર રૂપિયામાં સીધો 15,000નો વધારો ઝીંકી 20,000 કરી દેવાયા છે. લિકર પરમિટના ભાવોમાં થયેલા વધારાની આ રકમ નવી સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા થશે. નવી લિકર પરમિટ એક વર્ષ માટે તો રિન્યુઅલ બે વર્ષ માટે કરવામાં આવશે.