'નકલી'નો રાફડો ફાટ્યો, ગુજરાતમાં હવે નકલી CMO અધિકારી ઝડપાયો, એક ભૂલ અને ભાંડો ફૂટ્યો
Fake CMO Officer Caught In Gujarat : ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી CMO અધિકારી ઝડપાયો છે. છેલ્લા 20 વર્ષથી નકલી CMO અધિકારી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નકલી CMO અધિકારી બનીને ફરતો શખસ બારડોલીનો હોવાનું જાણવા મળ્યું. સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી.
છેલ્લા 20 વર્ષથી CMOનો નકલી અધિકારી બનીને ફરતો શખસ ઝડપાયો
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામનો નિતેશ ચૌધરી છેલ્લા 20 વર્ષથી CMOનો નકલી અધિકારી બનીને ફરતો હતો. નિતેશ ચૌધરીએ પોતે CMOના અધિકારી તરીકેની ઓળખ આપીને નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોર સાથે 23 ઓક્ટોબર, 2024 થી 02 જાન્યુઆરી, 2025 સુધી ટેલિફોનિક વાતચીત કરીને અલગ-અલગ કામોની સોંપણી કરી હતી અને કામને લગતી માહિતી પણ માગી હતી. જો કે, આ પછી દેવાંગ ઠાકોરે સમગ્ર મામલે વધુ તપાસ કરી હતી. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં આવો કોઈ અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ દેવાંગ ઠાકોરે CMOના નકલી અધિકારીની ઓળખ આપનારા નિતેશ ચૌધરી વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી.
નાયબ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો
સમગ્ર મામલે નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોરે જણાવ્યું હતું કે, 'ગત 2 જાન્યુઆરીના રોજ આરોપી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.' આરોપી નિતેશે નાયબ કલેક્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેની મુખ્ય કામગીરી મુખ્યમંત્રીની મુલાકાતો મેનેજ કરવાનું છે. જ્યારે નાયબ કલેક્ટરે આરોપીને મુખ્યમંત્રી સાથે મુલાકાત લેવી હોય તો તમારો સંપર્ક કરાય તેવું પૂછતા આરોપીએ જણાવ્યુ હતું કે, તેના સિવાય પણ અન્ય લોકોનો સંપર્ક કરી શકાય.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: જેલ મુક્ત પાયલ ગોટીએ બે દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી, ન્યાયની માગ કરી
આ ઉપરાંત, આરોપી નિતેશે જણાવ્યું હતું કે, 'તેણે એમએ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝનનો અભ્યાસ કર્યા બાદ GPSCની પરીક્ષા પાસ કરીને સીધો મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્ત થયો હતો અને મને આશરે 20 વર્ષ થઈ ગયા છે. હું મારા પ્રમોશનની રાહ જોઈ રહ્યો છું. હું વર્ષોથી સાહેબનો ખુબ વિશ્વાસુ રહ્યો છું, એટલે પ્રમોશન આવ્યા બાદ દિલ્લી તરફ જવાની ગણતરી છે.'