માથાભારે વાજીદ કુરેશીએે રીવરફ્રન્ટ પર બેસી પોલીસ વિરૂદ્ધ વિડીયો બનાવ્યો
પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કરતા યુવકનું નાટક
પોલીસના ત્રાસથી આત્મહત્યા કરશે તેવી ખોટી ધમકી આપીને વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો
અમદાવાદ,ગુરૂવાર
શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા એક યુવક બે દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ અને અન્ય સ્ટાફના ત્રાસના કારણે આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો હતો. જો કે આ અંગેેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ વિડીયો બનાવનાર યુવક વાજીદ કુરેશી વિરૂદ્ધ પ્રોહીબીશન સહિતના અનેક ગુના અને બે વાર પાસાની સજા થઇ ચુકી છે. પોલીસે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરતા તેણે ખોટા વિડીયો બનાવીને પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
શાહપુર વિસ્તારમાં રહેતા વાજીદ કુરેશી નામના યુવકનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ખાંભલા, પીએસઆઇ ભાટિયા , દિલ્હી ચકલા ચોકીના પીએસઆઇ અને રાયટરે મને ચાર મહિનાથી પરેશાન કર્યો છે અને પરિવારને પણ પરેશાન કરે છે. પોલીસે ન્યાય ન આપતા હવે હુ રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા આવ્યો છું. પોલીસ પર લાગેલા આક્ષેપ અંગે તપાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર પી બી ખાંભલાએ જણાવ્યું કે વાજીદ કુરેશી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂદ્ધ ૧૭ ેજેટલા ગુના નોંધાયા છે અને બે વાર પાસા થઇ ચુકી છે. તેના વિરૂદ્ધ થયેલી ફરિયાદના અનુસંધાનમાં પોલીસ તપાસ કરતી હોવાથી તેણે પોલીસને બદનામ કરવાના ઇરાદેથી આ વિડીયો બનાવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.