સીટીએમ એક્સપ્રેસ વે પાસે નશામાં ધૂત શખ્શોએ AMTS બસમાં તોડફોડ કરી
અચાનક બનેલી ઘટનાથી મુસાફરોમાં ભય ફેલાયો
બસ ઉપરાંત, અન્ય વાહનોના કાચ પણ તોડયાઃ રબારી કોલોનીથી ઇસનપુર સુધીના રસ્તા પર ભારે ટ્રાફિક થયો
અમદાવાદ , સોમવાર
શહેરમા સીટીએમ એક્સપ્રેસ વે નજીક સોમવારે સાંજના સમયે એક એએમટીએસની બસમાં દારૂનો નશો કરીને ઘુસી આવેલા પાંચ લોકોને બસના કન્ડક્ટરે ઉતરી જવાનું કહેતા માથાભારે લોકોએ બસમાં તોડફોડ કરીને આતંક ફેલાવ્યો હતો. એટલું જ આસપાસની કેટલાક વાહનોના કાચ પણ તોડયા હતા. આ બનાવને પગલે રબારી કોલોનીથી ઇસનપુર સુધીના મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થતા અનેક વાહનચાલકો અને ખુદ પોલીસના ગાડીઓ પણ ફસાઇ ગઇ હતી. આ સમગ્ર મામલે પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવની વિગતો એવી છે કે ઇસ્કોન-વિવેકાનંદનગર રૂટની બસ સાંજ સાડા છ વાગ્યાના સુમારે સીટીએમ એક્સપ્રેસ વે પર ઉભી હતી ત્યારે પાંચ યુવકો બસમાં ચઢ્યા હતા. જેમાં કેટલાંક લોકોએ દારૂ પીધો હતો અને ધમાલ કરતા હતા.
જેથી બસના કન્ડક્ટરે તેમને ઉતરી જવાનું કહેતા તેમણે દાદાગીરી કરીને બસમાં અચાનક તોડફોડ શરૂ કરીને કન્ડક્ટર અને ડ્રાઇવર હુમલો કર્યો હતો. સાથેસાથે મુસાફરો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. જેથી નાસભાગ મચી ગઇ હતી. સાંજના સમયે પીક અવર્સને કારણે ટ્રાફિક જામ થતા આસપાસના કેટલાંક વાહનચાલકોએ ઠપકો આપતા દારૂના નશામાં યુવકોએ અન્ય વાહનોમાં તોડફોડ કરીને અરાજકતા સર્જી હતી.
આ બનાવને પગલે ટ્રાફિકની સ્થિતિ વણસી હતી અને રબારી કોલોની થી ઇસનપુર ચાર રસ્તા સુધી ટ્રાફિક જામમાં દોઢ કલાક સુધી લોકો ફસાયા હતા. એટલું જ નહી ડબલ ડેકર બ્રીજ પર પોલીસની વાન પણ ફસાઇ ગઇ હતી. આ બનાવની જાણ થતા રામોલ, અમરાઇવાડી અને ખોખરા પોલીસ તેમજ ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબુમાં લઇને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.