સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે મ્યુનિ.ને હાઈકોર્ટની ફટકાર, કહ્યું- ગંભીરતા રાખીને નક્કર કામગીરી કરો

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Sabarmati-High-court


Sabarmati River pollution issue :  સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે આજે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનો ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લઇ નાંખ્યો હતો. કોર્પોરેશન તરફથી રજૂ કરાયેલી બ્લ્યુ પ્રિન્ટ અને અમ્યુકોના હજુ પણ બેજવાબદાર અને બિનગંભીર વલણને લઇ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ભયંકર નારાજગી વ્યકત કરી હતી અને એટલે સુધી માર્મિક ટિપ્પણી કરી હતી કે, અમને આશ્વાસન નહી, પરિણામલક્ષી પરફોર્મન્સ આપો. અમારે દર વખતે તમારા કલાસ લેવા પડે છે. હાઇકોર્ટે અમ્યુકો પાસેથી ઇન્સ્પેકશન સાથેનો રિપોર્ટ માંગ્યો હતો અને અમ્યુકો કમિશનરને પર્સનલી આ મામલામાં મોનિટરિંગ કરવા જણાવ્યું હતું. 

સાબરમતીને પ્રદૂષણમુકત કરવામાં અમ્યુકો ગંભીર જણાતુ નથી, જે કામ મ્યુનિ.કમિશનરે કરવાનું તે અમે કરી રહ્યા છીએ : હાઇકોર્ટ

હાઇકોર્ટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટાસ્ક ફોર્સના ઇન્સ્પેકશન સહિતના મુદ્દે અમ્યુકો કમિશનર પાસેથી રિપોર્ટ સાથે વિગતવાર જવાબ માંગ્યો હતો અને તા.8મી ઓગસ્ટ સુધીમાં સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો.  સાબરમતી નદીમાં પ્રદૂષણ અને ગંદકી મામલે હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં છેલ્લી પાંચ-છ સુનાવણીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરની હાઇકોર્ટ દ્વારા ભયંકર ઝાટકણી કાઢવામાં આવે છે અને સખત ટીકા કરવામાં આવે છે, તેમછતાં એવું જણાય છે કે, અમ્યુકોના વલણમાં કોઇ ફેરફાર કે બદલાવ જણાતો નથી.

નવું આશ્વાસ : પ્રદૂષણ રોકવા SOP સાબરમતીમાં ગંદુ પાણી છોડનારા ઔદ્યોગિક એકમની BU રદ થશે

ખુદ હાઇકોર્ટે વારંવાર અમ્યુકોના વકીલ અને મ્યુનિસિપલ કમિશનરને સાફ શબ્દોમાં સુણાવ્યું છે કે, કાં તો હાઇકોર્ટ શું કહેવા માંગે છે, તે તમે સમજી શકતા જ નથી અને કાં તો તમે નિષ્ઠાપૂર્વક કામ કરવામાં કે અદાલત સમક્ષ સાચી હકીકતો જણાવવામાં નથી માનતા. આજે ફરી એકવાર હાઇકોર્ટે અમ્યુકોનો પિરિયડ લઇ નાંખ્યો હતો. 

કોર્ટ સહાયક હેમાંગ શાહે જીપીસીબીના સોંગદનામાં અને અમ્યુકો તરફથી રજૂ થયેલા સોગંદનામાંની વિસંગતતા અને વિરોધાભાસ પરત્વે  અદાલતનું ધ્યાન દોરતાં હાઇકોર્ટે અમ્યુકોના સોગંદનામાંને લઇ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, તમે કોર્ટે નક્કી કરેલી સુનાવણીની તારીખના ત્રણ-ચાર દિવસ પહેલાં જ સોંગદનામું તૈયાર કરો છો અને ત્યારથી જ કામગીરી શરૂ કરો છો.

એવું લાગે છે કે, સાબરમતી નદીને પ્રદૂષણમુકત કરવામાં તમને રસ નથી કે તમે ગંભીર નથી..ખરેખર તો, મ્યુનિસિપલ કમિશરે જે કામ કરવાનું છે તે અમે કરી રહ્યા છીએ. તમારા સોંગદનામાંની વાતો, ખોટા આંકડાઓ અને પોકળ દાવાઓ પરથી જ સ્પષ્ટ થઇ જાય છે કે, તમે આ મામલે હજુ પણ ગંભીર નથી. 

હાઇકોર્ટે અમ્યુકોને વેધક સવાલ કર્યો હતો કે, તમે તમારા સોગંદનામામાં જણાવો છો કે, તમારા બધા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 100 ટકા કાર્યક્ષમતાવાળા અને અસરકારક છે, જયારે જીપીસીબીના રિપોર્ટમાં તો, તમારા વાસણા અને પીરાણા એસટીપી બહુ જ ખરાબ સ્થિતિમાં હોવાનું જણાવાયું છે. તમારા સોગંદનામાંમાં એસટીપી વિશે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. જીપીસીબીના સોગંદનામાં મુજબ, તમારા (અમ્યુકોના) મોટાભાગના એસટીપી નોર્મ્સનું પાલન કરતા નથી.

સુએઝ વોટર પણ બાયપાસ કરાઇ રહ્યું છે અને સીધુ જ સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું છે. જે બહુ ગંભીર બાબત કહી શકાય. શું તમારા એસટીપી સારી કન્ડીશનમાં કાર્યરત નથી એટલે તમે બાયપાસ આપી રહ્યા છો..? એવો પણ સવાલ કોર્ટે અમ્યુકોના વકીલને કર્યો હતો. અમ્યુકો પાસે હાઇકોર્ટના સવાલોનો કોઇ સંતોષકારક જવાબ ન હતો.

અમદાવાદની શેરીઓમાં એક દિવસ સુએઝનું પૂર આવશે

હાઇકોર્ટે અમ્યુકો સત્તાધીશોને બહુ માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં યોગ્ય રીતે પાણી ટ્રીટ કર્યા વિના બાયપાસ કરી ગંદુ-પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું છે. સુએઝનું બાયપાસ પાણી તમે કેવી રીતે અટકાવશો..? અને અટકાવશો તો, તમારા એસટીપી સારી કન્ડીશનમાં તો છે નહી શું કરશો..? હજુ પણ તમે ગંભીરતા નહી રાખો તો એક દિવસ અમદાવાદની શેરીઓમાં સુએઝનું પૂર આવશે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મામલે તમે ચૂપ છો તે શું સૂચવે છે..? કોર્ટને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને સ્વીકરો કે, તમારી ભૂલ છે અને ભૂલ છે તો સુધારો.

એક દિવસના વરસાદમાં શહેરમાં પાણી ભરાઇ જાય છે : હાઇકોર્ટ 

તાજેતરના વરસાદમાં શહેરમાં ભરાયેલા પાણી મુદ્દે પણ હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને ટીકાત્મક સ્વરમાં સુણાવ્યું હતું કે, તમે તમારા એસટીપી સરખી રીતે સાચવી શકતા નથી કે અમદાવાદ શહેરમાં પણ યોગ્ય માળખાગત સુવિધા કે વ્યવસ્થા જાળવી શકતા નથી. એક દિવસના વરસાદમાં શહેરમાં પાણી ભરાઇ જાય છે. હજુ પણ તમે ગંભીરતા દાખવો અને પરિણામલક્ષી કામગીરી કરો. 

સાબરમતી નદીમાં અગણિત માછલીઓ મરી રહી છે

દરમ્યાન કોર્ટ સહાયક હેમાંગ શાહે એક બહુ જ મહત્ત્વના મુદ્દા પર અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, સાબરમતી નદીનું પાણી હાલ ગંદુ, પ્રદૂષિત અને લીલા કલરનું થઇ ગયુ છે, તેની પૂરતી સફાઇ કે જાળવણી થતી નથી. જેના કારણે નદીમાં અગણિત માછલીઓ મરી રહી છે. અમ્યુકો સત્તાવાળાઓ નદીમાં પાંચ-સાત જગ્યાએ ઓકિસજન ટેન્ક મારફતે ઓકિસજન રિલીઝ કરી માછલીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ એ તો વેન્ટીલેટર જેવું છે. સાબરમતી નદી આટલી મોટી અને લાંબી છે, તેમાં પાંચ ઓકિસનજ ટેન્ક કેટલી કારગત રહે..? વાસ્તવમાં સાબરમતી નદીની સફાઇ, શુધ્ધતા અને સ્વચ્છતા અત્યંત અનિવાર્ય છે અને તે કામ તબક્કાવાર કામગીરીથી જ શકય બનશે. 


Google NewsGoogle News