ચાઈનીઝ જ નહીં કાચવાળા પાઉડરથી રંગેલી દોરી પણ પ્રતિબંધિત છે, ગુજરાત હાઈકોર્ટનો કાર્યવાહીનો નિર્દેશ
Kite Festival 2025 : ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગરસિયા પતંગ-દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી કેસમાં સુનાવણી વખતે કહ્યું કે રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પણ કાચવાળો પાઉડર ચઢાવીને વેચાતી દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે.
ઉલ્લેખનીય છે કે કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદી દ્વારા રંગ ચઢાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાઉડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરી શકે છે.
સરકારે સોગંદનામામાં જણાવ્યા મુજબ, ઉતરાયણના 2025ના તહેવારને લઇ ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને લઇ ગૃહવિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પણ 24 ડિસેમ્બરના 2024ના રોજ જારી કરી દેવાયું હતું અને તેના અનુસંધાનમાં રાજયના તમામ જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા પણ જરૂરી પરિપત્ર જારી કરી તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે.
છેલ્લા બે વર્ષમાં રાજયમાં 2125થી વઘુ આરોપીઓની ધરપકડ
સરકાર તરફથી આંકડા રજૂ કરતાં જણાવાયું કે, ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ સંબંધી ગુનાઓને લઇ 1 જાન્યુઆરી 2023થી 15 જાન્યુઆરી 2024 દરમ્યાન અમદાવાદ સહિત રાજયભરમાં કુલ 2155 અને 16 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 સુધી કુલ 148 ફરિયાદો મળી, બે વર્ષમાં કુલ 2303 ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાં સૌથી વઘુ 451થી વઘુ ફરિયાદો તો એકલા અમદાવાદમાં જ નોંધાઇ છે. જેની સામે 1 જાન્યુઆરી 2023થી 15 જાન્યુઆરી 2024 દરમ્યાન 1882 આરોપીઓ અને 16 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 દરમ્યાન 243 આરોપીઓની ધરપકડ સાથે કુલ 2125 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એકલા અમદાવાદમાંથી જ 371થી વઘુ આરોપીઓ પકડાયા છે.
ગ્લાસકોટેડ દોરીને લઇ કેમ કોઇ કાર્યવાહી નહી...??
જાહેરહિતની રિટમાં એડવોકેટ નિમિષ કાપડિયાએ ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે, પોલીસ ઓથોરીટી અને સરકારના સત્તાવાળાઓ ચાઇનીઝ, નાયલોન દોરી અને તુક્કલ સામે કાર્યવાહી કરી રહી છે પરંતુ ગ્લાસકોટેડ દોરીને લઇ કાર્યવાહી કરવામાં કેમ ઉણા ઉતર્યા છે..? કે જયારે ખુદ ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ તેના ચુકાદામા ચાઇનીઝ, નાયલોન દોરીની સાથે સાથે ગ્લાસ કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવેલો છે ત્યારે ગ્લાસ કોટેડ દોરીને લઇ કાર્યવાહીના કોઇ નક્કર આંકડા રજૂ થયા નથી.