૨૪ કલાક નહીં એક ટાઈમ પાણીના ફાંફા , ખાડીયાની ૧૯ પોળમાં પીવાનું પાણી ટેન્કરથી પહોંચાડવુ પડયું

પાણી ના પહોંચતા મ્યુનિ.તંત્રે વાલ્વ બગડયો હોવાનુ કારણ આગળ ધર્યુ

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News

   ૨૪ કલાક નહીં એક ટાઈમ પાણીના ફાંફા , ખાડીયાની ૧૯ પોળમાં પીવાનું પાણી ટેન્કરથી પહોંચાડવુ પડયું 1 - image

    અમદાવાદ, મંગળવાર, 30 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ બાર હજાર કરોડથી વધુનુ વાર્ષિક બજેટ છે.મ્યુનિસિપલ તંત્ર અને સત્તાધીશો દ્વારા શહેરને ૨૪ કલાક પાણી આપવાની ગુલબાંગ હાંકવામા આવે છે.બીજી તરફ ખાડીયાની ૧૯ પોળમાં મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશને પીવાનુ પાણી વોટર ટેન્કરથી પુરુ પાડયુ હતુ.પાણી ના પહોંચતા તંત્રના અધિકારીઓએ સારંગપુર પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ હોવાનુ કારણ સ્થાનિક રહીશો સામે રજુ કરી તંત્રનો બચાવ કર્યો હતો.

છેલ્લા કેટલાક દિવસથી શહેરના મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહયો છે.ખાડિયા વોર્ડમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સતત થઈ રહેલા કોમર્શિયલ બાંધકામ છતાં હાલમા પણ ચાલીસ ટકા વસ્તી વસવાટ કરી રહી છે.વસ્તી ઘટે તો પાણી સમયસર મળી રહેવુ જોઈએ.આમ છતાં ખાડીયા વોર્ડમા દર બે મહિને અલગ અલગ કારણથી અલગ અલગ વિસ્તારો પાણીથી વંચિત રહે છે.ખાડીયા ભાજપના  કોર્પોરેટર પંકજ બી ભટ્ટ પાણી બચાવવા રોજ સવારે પાણીના લીકેજ કનેકશન શોધી લીકેજીસ દુર કરે છે.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ખાડીયા વોર્ડને એક ટાઈમ પાણી પણ પુરુ પાડવામા સક્ષમ નથી. મંગળવારે સવારે ખાડીયાની પોળોમાં પાણી નહિ મળવાની રહીશોની ફરિયાદને પગલે મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય બી ભટ્ટ ઉપરાંત એડીશનલ સિટી ઈજનેર અમિત પટેલ સહિતના અધિકારીઓને પાણીથી વંચિત પોળોની મુલાકાત લઈ પાણીના ટેન્કર મોકલવાની ફરજ પડી હતી.ઉપરાંત પાણીનો વાલ્વ રીપેર થઈ જવાથી બુધવાર સવારથી નિયમિત પાણી સપ્લાય મળશે એવુ રહીશોને આશ્વાસન આપવુ પડયુ હતુ.

કઈ-કઈ પોળો એક ટાઈમ પાણીથી વંચિત

મોટી અને નાની હીંગળોક જોષીની પોળ, સુરતીની પોળ, કવિશ્વરની પોળ, પીપળાશેરી, મણીયાશાની ખડકી, અર્જુન લાલની ખડકી, ગોટીની શેરી, સુથારવાડાની પોળ, સારંગપુર, દોલતખાના, આકાશેઠ કુવાની પોળ, શામળાની પોળ, હવેલીની પોળ, કામનાથ મહાદેવ પાસે,રાયપુર દરવાજા બહાર,પંચમુખી મહાદેવની ચાલી વગેરે.

ખાડીયામાં એક વર્ષમાં પાણી નહિં મળવાની ૧૧૮૧ ફરિયાદ તંત્રને મળી

શહેરના મધ્યઝોનમાં આવેલા ખાડીયા વોર્ડમાં વર્ષ-૨૦૨૩ના એક વર્ષના સમયમાં એક ટાઈમ  પણ પાણી નહિં મળવાની ૧૧૮૧ ફરિયાદ મ્યુનિસિપલ તંત્રને મળી હતી.અપુરતા પ્રેસરથી પાણી મળતુ હોવાની વર્ષ દરમિયાન ૩૭૧, પાણીમાં પોલ્યુશન આવવા અંગેની ૨૨૫૫ ફરિયાદ તથા પાણીની લાઈનમાં લીકેજ હોવા અંગેની ૫૩૬ ફરિયાદ મ્યુનિસિપલ તંત્રને મળી હતી.


Google NewsGoogle News