Get The App

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ગમે તે વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે! સરકારે વિચારણાં શરૂ કરી

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ગમે તે વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે! સરકારે વિચારણાં શરૂ કરી 1 - image
Representative image

Buy Agricultural Land In Gujarat: ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સ્પીકર રમણલાલ વોરા પણ ખોટા દસ્તાવેજો આધારે ખેડૂત ખાતેદાર બન્યાં હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ થઈ છે. ત્યારે ખેતીલક્ષી યોજનાઓનો લાભ મેળવવા બિઝનેસમેન, ઉદ્યોગપતિ સહિત ઘણાં લોકો બોગસ ખેડૂત ખાતેદાર થઈ રહ્યાં છે. આ ઉપરાંત ઘણાં એવા લોકો પણ છે જે ખરાં અર્થમાં કૃષિક્ષેત્રમાં વ્યસાયિક રસ દાખવે છે. પરંતુ ખેડૂત ન હોવાને કારણે કૃષિની જમીન ખરીદી શકતા નથી. આ જોતાં કૃષિ ક્ષેત્રે રોકાણ થાય, ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય મળે, એટલુ જ નહીં, ખેતીની જમીનો બિનખેતી થતા અટકે. આ બધાય કારણોસર હવે અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ કોઇપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે. રાજ્ય સરકારે આ દિશામાં વિચારણા શરૂ કરી છે.

બોગસ ખેડૂત ખાતેદારના કિસ્સા વધ્યા

ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં પરિવાર મૂળભૂત રીતે ખેડૂત હોય તો જ ખેતીની જમીન ખરીદી શકે છે. સાથે સાથે ખેડૂત પરિવારને જ કૃષિલક્ષી લાભો મળે છે. આ પરિસ્થિતીને કારણે ઘણાં લોકો બોગસ ખેડૂત ખાતેદાર બનવા અવનવાં અખતરાં કરે છે. રાજ્યમાં બોગસ ખેડૂત ખાતેદારના ઘણાં કિસ્સા પણ સામે આવ્યાં છે. 

આ પણ વાંચો: ટ્રેનિંગ વખતે જ તોપગોળો ફાટતાં ગુજરાતનો અગ્નિવીર શહીદ, જામકંડોરણામાં માતમ પ્રસર્યું

આ જિલ્લામાં 500 બોગસ ખેડૂત ખાતેદારો પકડાયાં

ખેડા જિલ્લાના માતરમાં 500 બોગસ ખેડૂત ખાતેદારો પકડાયાં હતાં. આ ઉપરાંત રાજ્યમાં મોટાપાયે ખેતીની જમીનો બિનખેતીમાં પરિવર્તિત થઇ રહી છે. જો આ સ્થિતી રહી તો ગુજરાતમાં ખેતીની જમીનો જ નહી રહે જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. આ કારણોસર હવે સરકાર બધાય પાસાની ચર્ચા કર્યા પછી એ નિર્ણય લેવા  જઈ રહી છેકે, ઓર્ગેનિક ખેતી ઉપરાંત બાગાયત હેતુથી કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે.

રાજ્યમાં ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે છે

સૂત્રોના જણાવ્યાનુસાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, સિક્કીમ, મિઝોરમ, ઉત્તરાખંડ, ગોવા ઉપરાંત ગુજરાતમાં માત્ર ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે છે. જો કે, ઉત્તર પ્રદેશ, કેરાલા, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક આસામ, પંજાબ, તેલગાણાં સહિતના રાજ્યોમાં ખેતીની જમીન ખરીદવાના નિયમો હળવાછે. આ રાજ્યોમાં કોઈપણ વ્યક્તિ કલેકટર સહિત સ્થાનિક તંત્રની મંજૂરી મેળવીને ખેતીની જમીન ખરીદી શકે છે. મહત્ત્વની વાત છે કે, ગુજરાતમાં લેન્ડ રિફોર્મ માટે સીએલસીનાં કમિટીનો રિપોર્ટ સરકારને સુપ્રત કરાયો છે. તેમાં પણ ખેતીની જમીન કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે તેવી ભલામણ કરાઈ છે.

આજે કૃષિક્ષેત્રે રોજગારની અનેક તકો રહેલી છે ત્યારે વ્યવસાયિકો વૈવિધ્યસભર ખેતી કરી શકે તે હેતુથી રાજ્ય સરકારે આ દિશામાં વિચારણા હાથ ધરી છે. જો ગુજરાતમાં ખેતીની જમીનની ખરીદીને લઈને છૂટછાટ અપાશે તો, કૃષિક્ષેત્રમાં પણ રોકાણ આવી શકે છે. બિન ખેડૂત ખાતેદારો ખેતીની જમીન ખરીદશે તો ખેતીની જમીનો બિનખેતી થતાં અટકશે. બોગસ ખેડૂત ખાતેદાર થવાના કિસ્સા અટકી જશે.

ઉલ્લેખનીય છે હાલ ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો બીન ખેડૂત ખાતેદાર સાથે કરાર કરીને ખેતી કરી શકે તેવી પણ સરકાર જોગવાઈ કરી શકે છે. ગુજરાત માત્ર ઔદ્યોગીક ક્ષેત્રે જ નહીં, પણ કૃષિક્ષેત્રે પણ સમૃદ્ધ રાજ્ય બને તે માટે રાજ્ય સરકાર આ દિશામાં પહેલ કરવા જઈ રહી છે.

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ગમે તે વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે! સરકારે વિચારણાં શરૂ કરી 2 - image


Google NewsGoogle News