હવે વિપક્ષ નહીં, પણ વિરોધીઓ નિશાના પર : ઇન્કમટેક્સના દરોડા કે પછી ભાજપના કોલ્ડવોરનું પરિણામ..
લોકસભાની ચૂંટણી પહેલાં બે જૂથો આમને સામને રાજકીય પ્રતિષ્ઠા ધૂળધાણી કરવા મેદાને પડયાં
અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે શુક્રા ફાર્માસ્યુટિકલ પર દરોડા પાડી પૂર્વ મુખ્યમંત્રીના સબંધી ઉપરાંત ભાજપ સાથે ઘરોબો ધરાવતા બિઝનેસમેનોને સકંજામાં લીધા છે જેથી ગુજરાતમાં સોંપો પડયો છે. ચર્ચા છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અત્યારથી જ રાજકીય હિસાબ કરવામાં આવી રહ્યો છે. આઇટીના દરોડાએ ભાજપના કોલ્ડવોરનુ જ પરિણામ છે. ગુજરાતમાં રાજકીય ચિત્ર કઇંક ઉલ્ટુ છે. અહીં વિપક્ષને બદલે પક્ષના વિરોધીઓ નિશાના પર છે.
લોકસભાની ચૂંટણી પહેલાં બે જૂથો આમને સામને રાજકીય પ્રતિષ્ઠા ધૂળધાણી કરવા મેદાને પડયાં
શુક્રા ફાર્માસ્યુટિક્લમાં પૂર્વ મુખ્યમંત્રીના સબંધી સંસ્કૃતિ જયેશ પટેલ ડાયરેક્ટર છે. આ ઉપરાંત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાના પત્નિ પાયલ મહેતા પણ ડાયરેક્ટર છે. તેમના નિવાસસ્થાને પણ આઇટીએ દરોડા પાડીને સર્ચ કર્યુ હતું. ભાજપ સરકાર સાથે ઘરોબો ધરાવતાં દક્ષેશ શાહની ફાર્મા કંપનીમાં મુંબઇથી આવેલા આઇટીના અધિકારીઓએ દરોડા પાડીને કાર્યવાહી કરી છે.
ભાજપના બે જૂથો હાલ સામસામે આવ્યા
ચર્ચા છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ટીકીટ ન મળે તેના ભાગરૂપે આ ખેલ ખેલાયો છે. ભાજપના બે જૂથો હાલ સામસામે આવ્યા છે. ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ છે ત્યારે આઇટીના દરોડા સૂચક બન્યા છે. ટોચના રાજકારણીઓ સાથે સબંધો ધરાવનારાને ત્યાં દરોડા પડયા છે ત્યારે છેક દિલ્હી સુધી છેડા લગાવાયા છે. લોકસભાની ચૂંટણીમાં ટિકીટ કપાય તે હેતુથી રાજકીય પ્રતિષ્ઠા ધૂળધાણી કરવા ભાજપના બંને જૂથો મેદાને પડયા છે.
વિપક્ષને બદલે આઇટીએ વિરોધીઓને નિશાન બનાવ્યા
ભાજપનું એક જૂથ તો આઇટીના દરોડા પ્રકરણને ખુબ ચગાવવામાં રસ દાખવી રહ્યુ છે. સોમવારે મોડી રાત્રે આઇટીએ દરોડા પાડયા પછી સોશિયલ મિડિયામાં શુક્રા ફાર્માસ્યુટિકલ કંપનીની આખી જન્મકુંડળી વાયરલ થઇ હતી કેમકે, કયા મુખ્યમંત્રીના સબંધીને ત્યા આઇટીના દરોડા પડયાં છે તે જાણવામાં લોકોને રસ પડયો હતો. આમ, વિપક્ષને બદલે આઇટીએ વિરોધીઓને નિશાન બનાવ્યા છે તે જોતા આગામી દિવસોમાં ભાજપમાં કોલ્ડવોર વધુ આક્રમક બને તેવા અણસાર છે.
કોન્ટ્રાક્ટર કંપની અંકિતા કન્સ્ટ્રક્શન પર પણ દરોડા
ફાર્મા કંપની ઉપરાંત સરકારી હાઉસિંગ પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ લેનાર પૂર્વ અમદાવાદની કોન્ટ્રાક્ટર કંપની અંકિતા કન્સ્ટ્રક્શન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. અંકિતા કન્સ્ટ્રક્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને ગુજરાત સરકારના હાઉસિંગના પ્રોજેક્ટ્સના કામકાજ કરે છે. અંકિતા કન્સ્ટ્રક્શનના પ્રમોટરોમાં અરવિન્દ આણદાણી છે. અરવિન્દ આણદાણીની ઓફિસે દરોડા પડયા ત્યારે તેઓ હાજર નહોતા, પરંતુ તેમને બોલાવીને ઓફિસે લઈ જવાયા હતા. હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં સરકારી કોન્ટ્રાક્ટમાં સુજય મહેતાની નકારાત્મક ભૂમિકા હોવાના કેટલાક પુરાવાઓ પણ આ દરોડા દરમિયાન હાથ લાગ્યા છે. તેમના વહેવારોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ સિવાય પણ અન્ય એક કન્સ્ટ્રક્શન ગ્રુપને દરોડામાં આવરી લેવામાં આવ્યું છે. આ ગ્રુપનું નામ હિલટાઉન હોવાનું અને યુવાનો જ તેના પ્રમોટર હોવાની પણ ચર્ચા છે.
આવકવેરાના દરોડાના ધ્યાનાકર્ષક પાસાઓ
- ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની પૌત્રીના ઘર પર દરોડા પડતા સમગ્ર કેસ ચર્ચાની એરણે
- 15થી 20 સ્થળોએ મુંબઈની આવકવેરા અધિકારીઓની ટીમ ત્રાટકી
- શુક્રા ફાર્માસ્યૂટિકલ્સના શંકાસ્પદ આર્થિક વહેવારોની માહિતી દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવી
- અમ્યુકોના પૂર્વ કોર્પોરેટર અને સ્કૂલ બોર્ડના વર્તમાન ચેરમેન સુજય મહેતાના ગરબડિયા વહેવારો પકડાયા
- ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણ પણ દરોડાના મૂળમાં હોવાની શક્યતા