Get The App

ચેખલાના મદરેસાના મૌલાના આદિલ વેપારીનું જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન? NIAએ કરી ધરપકડ

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
ચેખલાના મદરેસાના મૌલાના આદિલ વેપારીનું જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન? NIAએ કરી ધરપકડ 1 - image


NIA Raids in Gujarat: આજ રોજ (12 ડિસેમ્બર, 2024) વહેલી સવારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામે NIAની ટીમે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, NIAએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ હેઠળ દેશના ગુજરાત સહિત 19 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સાણંદના ચેખલામાં NIAના દરોડા

મળતી માહિતી અનુસાર, સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં NIAની ટીમે અમદાવાદ ગ્રામ્ય પોલીસને સાથે રાખીને દરોડા પાડીને મદરેસામાં મૌલાના તરીકે કામ કરતાં આદિલ વેપારીની ધરપકડ કરી હતી. હાલ તેની પૂછપરછ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. આદિલ વેપારીનું કનેક્શન આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોવાની શંકા હોવાથી તે દિશામાં તપાસ ચાલી રહી છે. 

આ પણ વાંચો: રાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગના દરોડા, બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા

કેવી રીતે તે આતંકી સંગઠનથી જોડાયેલો હતો?

પાકિસ્તાનના કટ્ટરવાદી ગ્રુપ દ્વારા અલગ અલગ દેશોમાં પોતાના માણસો ઉભા કરવા કરવા માટે પુસ્તકો અને અમૂક પ્રકારના વીડિયો મોકલીને માઇન્ડ વોશ કરાતું હોય છે. પ્રાથમિક માહિતી અનુસાર, આદિલ વેપારી પણ ઓનલાઇન કટ્ટરપંથી ગ્રુપ સાથે જોડાયેલો છે. આદિલ વેપારી પાસેથી દેશ વિરોધી ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે.  તેમાં આદિલનો રોલ હોવાની શંકા સામે આવી છે. હવે તેમણે શું-શું દેશ વિરોધી ગતિવિધિ કરી અથવા કેટલા લોકોના માઇન્ડ વોશ કર્યા તે અંગેની પૂછપરછ ચાલી રહી છે.

'ચેખલાના મદરેસામાં ત્રણ મહિનાથી છે કાર્યરત'

ચેખલામાં મદરેસામાં મૌલાના તરીકે કામ કરતો આદિલ વેપારી મૂળ વિરમગામનો રહેવાસી છે. તેનો પરિવાર વિરમગામમાં રહે છે. આદિલ વેપારી હાલ ચેખલામાં રહે છે. ચેખલા સરપંચ પ્રતિનિધિ અર્જુન સિંહે કહ્યું કે, 'ત્રણ મહિનાથી મૌલાના તરીકે તે કાર્યરત છે.'

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં NIAના દરોડા

NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઉચ્ચ અધિકારીઓના મતે, આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને ખતમ કરવા તેમજ તેમની નાણાકીય અને લોજિસ્ટિક સિસ્ટમને શોધી કાઢવાની પ્રક્રિયાનો ભાગ છે. 

આ પણ વાંચો: વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈનો વધુ એક કેસ, ઇન્વેસ્ટરે 18 લાખ ગુમાવ્યા

ગુજરાત જ નહીં, જમ્મુ-કાશ્મીર, અસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અનેક ઠેકાણે આજે સવારથી NIAની દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન આતંકવાદી ગતિવિધિઓને મૂળથી જ ડામી દેવાના પ્રયાસ પર કેન્દ્રિત છે. 

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વધુને વધુ યુવાનોને કટ્ટરવાદી બનાવવા બેફામ પ્રચાર કરી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જેવા વિસ્તારોમાં NIAની ટીમે પુરાવા શોધીને તપાસ વધુ ઝડપી બનાવી છે. 

જમ્મુ કાશ્મીરના ત્રણ જિલ્લા પર વધુ ફોકસ

NIAની રેડ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લામાં કેન્દ્રીત રહી છે. આ સ્થળો પર સંભવિત શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમના અડ્ડાઓ પર કાર્યવાહી કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડાનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાનો અને તે લોકોની ધરપકડ કરવાનો છે જે ભારતીય યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદી ગતિવિધિઓ માટે તૈયાર કરવાના કાવતરામાં સામેલ છે.



Google NewsGoogle News