ખ્યાતિ કાંડ બાદ PMJAY-મા યોજના માટે નવી ગાઇડલાઇન જાહેર, મોડી-મોડી સરકારની ઊંઘ ઉડી
New SOP For PMJAY Scheme: રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારમાં આકસ્મિક બીમારીનો ખર્ચ આવી પડે ત્યારે એક મધ્યમવર્ગ અને ગરીબનો પરિવાર ભાંગી પડે છે અથવા દેવાનો દાટ થાય છે, ત્યારે આરોગ્ય સહાય માટે ‘PMJAY’ યોજના ગુજરાતના તમામ જિલ્લામાં અમલી કરાઈ છે. પરંતુ તેમાં પણ ખ્યાતિકાંડ જેવા મોટા કૌભાંડો સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે પરંતુ ઘણું મોડું થઈ ગયું છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે.
આ યોજનામાં જિલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારવાર નજીકના અંતરે ઉપલબ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હૉસ્પિટલને એમપેન્લડ કરવામાં આવે છે. જેમાં યોજના સાથે કાર્યરત વીમા કંપની અને જિલ્લાની ટીમ દ્વારા જરૂરી ચકાસણી સાથે યોજના સાથે જોડવામાં આવે છે. યોજના હેઠળ ડે-કેર, સેકન્ડરી અને ટર્શરી બીમારીઓ માટે નિયત કરેલ સારવાર મળવાપાત્ર છે.
આ રોગોમાં સારવારનો લાભ મળે છે
જેમાં કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હૃદયના રોગો, કિડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઈજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, હૃદય, કિડની, લિવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે સાથે કોક્લીઅર ઇમ્પલાન્ટ (હિયરિંગ એઇડ) સહિતની અન્ય જટીલ પ્રકારની અને ખર્ચાળ સારવારનો લાભ દર્દી યોજના હેઠળ મેળવી શકે છે. હૉસ્પિટલમાં રજિસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સર્જરી બાદની ફોલોઅપની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો લાભ લાભાર્થીને મળવાપાત્ર છે.
ચિરંજીવી અને બાલસખાના લાભ પણ PMJAYમાં સમાવ્યા
ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને, આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસુતિ સેવાઓ પૂરી પાડવા તેમજ રાજ્યના હાઇ પ્રાયોરીટી તાલુકાઓ કે જેમાં નવજાત શિશુ માટે NICUની સુવિધા મળી રહે તે હેતુથી ‘ચિરંજીવી યોજના’ અને ‘બાલસખા યોજના’ના લાભોને પણ ‘PMJAY-મા’ યોજનામાં સમાવિષ્ટ કરી છે. રાજ્યના સામાન્ય પ્રજા તેમજ છેવાડાના માનવીને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે હૉસ્પિટલની નોંધણી કરીને યોજનાનો લાભા આપવાનો ઉદ્દેશ છે.
PMJAY યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે 97 લાખ કુટુંબો/ 2.65 કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાઈને અંદાજિત 900થી વધુ ખાનગી તથા 1500થી વધુ સરકારી હૉસ્પિટલો ખાતે નિયમિત સારવાર મેળવી રહ્યા છે.
અત્યાર સુધી 14થી વધુ હૉસ્પિટલ સસ્પેન્ડ
ખાનગી હૉસ્પિટલો દ્વારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ થતા તથા ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબધિત ફરિયાદોને કારણે વર્ષ 2024માં અત્યાર સુધીમાં કુલ 14થી વધુ હૉસ્પિટલ ગેરરીતિ બદલ સસ્પેન્ડ, ડિએમ્પેલ્ડ, અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે. અમુક કિસ્સામાં ડૉક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કરવા ઉપરાંત મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ જરૂરી પગલાં લેવાની ફરજ પડી છે.
રાજ્ય સરકાર દ્વારા હૉસ્પિટલોના બનાવની વિગતો ધ્યાને આવતાં જરૂરી પગલાં રાજ્ય કક્ષાએથી પણ લેવામાં આવેલ છે જેમાં રાજ્ય સરકારે વિવિધ સ્પેશિયાલિટીની સારવારમાં દર્દીના હિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પેકેજ અને સારવારની ગાઇડલાઇનમાં સુધારા કરાયા છે. કાર્ડિયોલૉજી, રેડિયોલૉજી, TKR/THR (ટોટલ ની રિપ્લેસમેન્ટ/ટોટલ હિપ રિપ્લેસમેન્ટ) અને નિયોનેટલની સેવાઓ માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે.