એનઆઇડીના નવા ડિરેક્ટરે આવતાં જ અનેક ફેકલ્ટીઓની બદલી કરાતાં ભારે હોબાળો
National Institute of Design: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (એનઆઇડી)માં નવા ડિરેકટરે ચાર્જ સંભાળતાં જ વિવિધ વિભાગોમાંથી ફેકલ્ટીઓની બદલીઓ કરી દીધી છે જેને લઈને વિદ્યાર્થીઓએ આજે ભારે હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે ડિરેકટરને તમામ સત્તા છે પરંતુ આ રીતે એક સાથે આટલા બધા ફેકલ્ટીની કોઈ પણ જાણ વગર બદલી ન થવી જોઈએ.
ડિરેક્ટરને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી
વિદ્યાર્થીઓએ આજે આ મુદ્દે ડિરેક્ટરને રજૂઆત પણ કરી હતી અને આ મુદ્દે ઉગ્ર વિરોધ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે 10 થી12 જેટલા વિવિધ વિભાગોમાં એક સાથે ફેકલ્ટી-અધ્યાપકોને બદલી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને આ માટે અગાઉ કોઈ જાણ કરાઈ ન હતી. વિદ્યાર્થીઓ જે અધ્યાપકોની મેથડ-ટીચિંગ, લર્નિંગ, પેટર્નથી અવગત થઈ ગયા હોય તે અધ્યાપકોને આ રીતે અચાનક જ બદલી દેવામા આવતા ટીચિંગ-અભ્યાસમાં મોટી મુશ્કેલી ઊભી થાય છે.
આ મુદ્દે નિરાકરણ લાવવાની ખાત્રી અપાઈ
જેથી વિદ્યાર્થીઓએ બદલીઓ રદ કરવાની તેમજ અગાઉ જે પણ અધ્યાપકો-ફેકલ્ટી જે વિભાગમાં હતા ત્યાં જ રાખવા માંગણી કરી હતી અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે ડિરેક્ટર દ્વારા એક દિવસમાં આ મુદ્દે નિરાકરણ લાવવાની અને બદલીઓ કેન્સલ કરવાની ખાત્રી અપાઈ છે.