નવી ચાર ઈલેકટ્રિક ડબલડેકર લેવાશે AMTS કમિટીમાં ૨૩ કરોડનાં સુધારા સાથે ૭૦૫ કરોડનું બજેટ મંજૂર
ધો-૧૦ પછી વિદ્યાર્થીનીઓને ૮૫ ટકા કન્સેશન સહીતના વચનોની લહાણી
અમદાવાદ,સોમવાર,27 જાન્યુ,2025
રુપિયા ૪૬૨૦ કરોડથી વધુનું દેવું ધરાવતા મ્યુનિસિપલ
ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં રુપિયા ૨૩ કરોડના સુધારા સાથે સત્તાધારી ભાજપ દ્વારા
રુપિયા ૭૦૫ કરોડના બજેટને કમિટીમાં મંજૂરી આપી હતી. ડબલ ડેકર બસ બંધ કરવી પડી
છે.આમછતાં રુપિયા ૮ કરોડના ખર્ચે નવી ચાર ઈલેકટ્રીક ડબલ ડેકર બસ લેવાશે. ધોરણ-૧૦
પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓેને ટિકીટના દરમાં ૮૫ ટકા સુધીના કન્સેશન
સહિતના અન્ય વચનોની શાસકપક્ષે લહાણી કરી છે.
વર્ષ-૨૦૨૫-૨૬ માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રુપિયા ૬૮૨ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતુ.
કમિટીના ચેરમેન ધરમશીભાઈ દેસાઈએ કહયુ,ટ્રાન્સપોર્ટ
મેનેજરે ૧૧૭૨ બસનુ ફલીટ સુચવ્યુ હતુ.જેમાં ૧૦૦ નવી મીડી સી.એન.જી.બસ ગ્રોસ કોસ્ટ
કીલોમીટરથી મેળવીને ૧૨૭૨ બસનુ ફલીટ કરવા ઠરાવ કરાયો છે.વર્ષ-૨૦૨૫-૨૬માં નવી ૪૪૫
એ.સી.બસનો ફલીટમાં ઉમેરો કરવામાં આવશે.એક વર્ષ અગાઉ સાત ઈલેકટ્રિક ડબલ ડેકર બસ
શહેરના વિવિધ રૃટ ઉપર શરુ કરવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ જ ત્રણ રુટ ઉપર
દોડાવાતી ડબલડેકર પેસેન્જર મળતા નથી.આવક ઓછી થાય છે એવુ બહાનું કાઢીને બંધ કરી
દેવામાં આવી છે. આમ છતાં વર્ષ-૨૦૨૫-૨૬ના બજેટમાં ૧૬માં નાણાંપંચની ગ્રાન્ટ મેળવીને
ચાર ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે.
એ.એમ.ટી.એસ.બજેટમાં લોભામણાં આશ્વાસનો કયાં-કયાં?
૧.દર શનિ અને રવિવારે સ્પેશિયલ રેટથી ધાર્મિક પ્રવાસનું
આયોજન કરાશે.
૨.શહેરમાં ધોરણ-૧૦ પછી માતા-પિતા વગરના અભ્યાસ કરતાં બાળકો માટે
ફ્રી પાસની યોજના અમલમાં મુકાશે.
૩.વિધવા બહેનોને ટિકીટના દરમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.
૪.કલેકટર પાસેથી જગ્યા મેળવી ડમરુ સર્કલ પાસે એક કરોડના
ખર્ચે બસ ટર્મિનસ બનાવાશે.
૫.શહેરના રીંગરોડ ઉપર બસોના નાઈટ પાર્કિંગ માટે ૬ કરોડના
ખર્ચે ૧૨ ટર્મિનસ બનાવાશે.
AMTS,BRTS,METRO ઈન્ટીગ્રેટેડ ટિકીટનો મેળ પડશે કે કેમ?
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપરાંત
બી.આર.ટી.એસ.ની એક ટિકીટ કરવાની વાત મ્યુનિસિપલ ભાજપ બે વર્ષથી જાહેરાત કરે છે.આમ
છતાં હજુ સુધી મેળ પડતો નથી.ઉપરથી આ વખતે મેટ્રોની ઈન્ટીગ્રેટેડ ટિકીટ કરવાનો
એ.એમ.ટી.એસ.કમિટીએ ઠરાવ કર્યો છે.મેટ્રો રેલ દ્વારા આ બાબત સ્વીકારાશે કે કેમ એ
વિચારણા માંગી લે એવી બાબત છે.