ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, દિવાળી-ઉનાળુ વેકેશન સહિત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર
શાળાઓનું પ્રથમ સત્ર 5મી જૂનથી શરૂ થશે
શાળાકીય પરીક્ષા 8 એપ્રિલ 2024થી યોજવામાં આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2023-24ની પૂરક પરીક્ષા પ્રિલિમ પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી અને ઉનાળુ વેકેશન સહિત તમામ તારીખો જાહેર કરી દેવામા આવી છે.
દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી નવા શૈક્ષણિક સત્ર માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નવા શૈક્ષણિક કેલેન્ડર અનુસાર શાળાઓનું પ્રથમ સત્ર 5મી જૂનથી શરૂ થશે તેમજ 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દિવાળી વેકેશન રહેશે. દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. આગામી સત્રમાં સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે. આ સત્રમાં બોર્ડની પરીક્ષા 11 માર્ચ 2024થી 28 માર્ચ 2024 સુધી લેવામાં આવશે.
બીજા સત્રનો પ્રારંભ 30 નવેમ્બરથી થશે
શાળાકીય પરીક્ષા 8 એપ્રિલ 2024થી યોજવામાં આવશે અને ઉનાળુ વેકેશન 6 મે 2024થી 35 દિવસનું રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તો પ્રથમ સત્રની પરીક્ષા 3 ઓક્ટોબરથી લેવાશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. બીજા સત્રનો પ્રારંભ 30 નવેમ્બરથી થશે.