અમદાવાદમાં પાડોશીએ કરી યુવકની હત્યા, નવ દિવસે ખેતરમાંથી મળી લાશ, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ
Ahmedabad Murder Case: અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા રણછોડનગર વિભાગ-2માં રહેતા 38 વર્ષીય યુવકને પાડોશીને જુના તકરારની અદાવતમાં સમાધાન માટે ચાંદલોડિયા અંડરબ્રીજ પાસે આવેલા ખેતરમાં લઇ જઇને લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારીને મોતને ઘાટ ઉતારીને લાશને ખેતરમાં દાટી દીધી હતી. બીજી તરફ યુવકની પત્નીએ તેના લાપત્તા થવા અંગે સોલા પોલીસને જાણ કરવાની સાથે પાડોશીઓ પર શંકા વ્યક્ત કરી હતી. જેથી શંકાને આધારે પોલીસે પાડોશીઓની પુછપરછ કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે નવ દિવસ બાદ ખેતરમાં ખાડો ખોદીને દફનાવેલી લાશને કાઢી હતી. આ અંગે પોલીસે એક મહિલા સહિત છ લોકો વિરૂદ્ધ હત્યા, અપહરણ અને કાવતરૂ ઘડવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે નવ દિવસ બાદ ખેતરમાં ખાડો ખોદીને છુપાવેલી લાશને બહાર કાઢી
ચાંદલોડિયામાં આવેલા રણછોડનગર વિભાગ-1 સોસાયટીમાં રહેતા પ્રતિભા તિવારીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે તેમના ચાર સંતાનો સાથે રહે છે. તેમના પતિ કમલેશ તિવારી છુટક કામકાજ કરે છે. કમલેશ તિવારીને તેમના પાડોશમાં રહેતા મહાવીર શંકરલાલ શાહ અને તેના પત્ની જાગૃતિ શાહ સાથે કોઇ બાબતે થોડા સમય પહેલા તકરાર થઇ હતી. ગત 18મી ફેબ્રુઆરીના રોજ સવારે સાડા છ કલાકે કમલેશ તિવારી ઘરે જાણ કર્યા વિના રહસ્યમય સંજોગોમાં ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમનો સંપર્ક ન થતા તપાસ કરી હતી. પરંતુ, ભાળ ન મળતા પ્રતિભા તિવારીએ આ અંગે સોલા પોલીસ મથકે તેના પતિના લાપત્તા થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેમણે તેમના પતિના પાડોશી મહાવીર શાહ સાથે ચાલતી તકરાર અંગે જાણ કરી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ભુકણે મહાવીર શાહ અને તેના પત્ની જાગૃતિની પુછપરછ હાથ ધરી હતી. પરંતુ, તેમણે શરૂઆતમાં કોઇ સંતોષકારક જવાબ આપ્યા નહોતા. બાદમાં આકરી પુછપરછ કરતા બંને ભાંગી પડયા હતા અને પોલીસ પણ તેમની હકીકત જાણીને ચોંકી ઉઠી હતી.
18મી ફેબ્રુઆરીએ બપોરના એક વાગે તેમણે કમલેશ તિવારીને સમાધાન માટે ચાંદલોડિયામાં આવેલા સેંધણી માતાના મંદિરે બોલાવ્યો હતો. જ્યાંથી અતુલ પટેલ ( મંગલમ બંગ્લોઝ,ચાંદલોડિયા), ઋષભ સાપરિયા (આશાપુરી સોસાયટી,ચાંદલોડિયા), સુનિલ ઠાકોર ( આશાપુરી સોસાયટી, ચાંદલોડિયા) કમલેશ તિવારીને કારમાં ચાંદલોડિયા અંડરબ્રીજ નીચે આવેલા અતુલ પટેલના ખેતરમાં લઇ ગયા હતા. ત્યારબાદ ત્યાં બાઇક પર મહાવીશ શાહ અને તેની પત્ની જાગૃતિ આવ્યા હતા. તેમણે કમલેશ સાથે સમાધાનની વાતચીત દરમિયાન ખેતરમાં ઝુપડામાં રહેતા ગમનારામ ભુરાજી બાવરીને બોલાવીને કમલેશને લીમડાના ઝાડ સાથે બાંધીને લાકડી તેમજ ગડદા પાટુનો માર માર્યો હતો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બાબતે કોઇને ખબર ન પડે તે માટે પુરાવાનો નાશ કરવાના ઇરાદે તમામ લોકોએ ખેતરમાં જ ખાડો ખોદીને લાશને દાટી દીધી હતી. પોલીસ સમક્ષ આ ચોંકાવનારો ખુલાસો થતા પોલીસે સ્થળ પર જઇને ખેતરમાં દાટેલી કમલેશ તિવારીની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.