મ્યુનિ.આરોગ્ય-ઈજનેર વિભાગની બેદરકારી, અમદાવાદના ૪૮ પૈકી ૧૭ વોર્ડમાં કોલેરાના કેસ,૭ મહિનામાં ૧૯૯ કેસ

વર્ષ-૨૦૨૩માં વર્ષ દરમિયાન કોલેરાના ૯૫ કેસ નોંધાયા હતા,આરોગ્ય વિભાગે આંકડા છુપાવવા એક કોલમ કાઢી નાંખ્યું

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
મ્યુનિ.આરોગ્ય-ઈજનેર વિભાગની બેદરકારી, અમદાવાદના ૪૮ પૈકી ૧૭ વોર્ડમાં કોલેરાના કેસ,૭ મહિનામાં ૧૯૯ કેસ 1 - image


અમદાવાદ,મંગળવાર,30 જુલાઈ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ઈજનેર વિભાગની બેદરકારીના કારણે કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહયો છે.શહેરના ૪૮ પૈકી ૧૭ વોર્ડમાં હાલમાં કોલેરાના કેસ નોંધાયેલા છે. વર્ષ-૨૦૨૩માં સમગ્ર વર્ષ દરમિયાન કોલેરાના ૯૫ કેસ નોંધાયા હતા. આ વર્ષે ૭ મહિનામાં ૧૯૯ કેસ નોંધાયા છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગે કોલેરાના કેસના આંકડા છુપાવવા જાન્યુઆરીથી જુલાઈ સુધી નોંધાયેલા કેસનું એક કોલમ જ યાદીમાંથી કાઢી નાંખ્યુ છે.

અમરાઈવાડી, બહેરામપુરા, ચાંદલોડીયા, ગોમતીપુર, દાણીલીમડા ઉપરાંત લાંભા,મણિનગર, સરસપુર-રખિયાલ, ઈન્દ્રપુરી, રામોલ-હાથીજણ, વટવા,ગોતા, જોધપુર,ખોખરા, નવા વાડજ,ભાઈપુરા અને નરોડા વોર્ડમાં પ્રદૂષિત પાણી  અને અન્ય દૂષિત પીણાં પીવાથી કોલેરાના કેસ નોંધાયા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સમક્ષ મોટાભાગના વોર્ડના રહીશોએ તેમના વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવતુ હોવાની અનેક વખત ફરિયાદ કરેલી છે.આમ છતાં આરોગ્ય અને ઈજનેર વિભાગ દ્વારા એક બીજા વિભાગને આપવામા આવતી ખો ના કારણે પ્રદૂષિત પાણીની ફરિયાદનો સમયસર ઉકેલ આવતો નથી.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને આપવામાં આવતા પાણીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જુલાઈ મહિનામાં ૯૬૩ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.૧૯૦ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા.શહેરમાં કોલેરાના વધતા જતા કેસને તાકીદે નિયંત્રણમાં લેવા મ્યુનિસિપલ કમિશનરે આપેલી સુચનાનો પણ અમલ થતો નથી.

શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ

રોગ            જૂલાઈ-૨૪     જાન્યુઆરીથી જુલાઈ સુધી

ઝાડાઉલટી     ૧૨૬૫         ૮૭૦૦

કમળો          ૩૦૮           ૧૫૨૨

ટાઈફોઈડ       ૫૬૫           ૩૩૨૨

કોલેરા          ૪૪             ૧૯૯

શહેરમાં મચ્છરજન્ય રોગની સ્થિતિ

રોગ            જુલાઈ-24      જાન્યુઆરીથી જુલાઈ સુધી

મેલેરિયા        ૨૭             ૨૧૧

ઝેરી મેલેરિયા  ૦૨             ૧૯

ડેન્ગ્યૂ           ૧૨૧           ૪૪૯

ચિકનગુનિયા   ૦૬             ૧૨


Google NewsGoogle News