મ્યુનિ.ફુડ વિભાગની બેદરકારી દશેરાનાં દિવસે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાના બદલે રજા માણી લીધી
સોમવારે રાત સુધીમાં ફાફડા-જલેબીના ૧૫ સેમ્પલ લેવાયા બાદ તંત્ર નિંદ્રામાં
અમદાવાદ,મંગળવાર,24 ઓકટોબર,2023
અમદાવાદમાં દશેરા પર્વના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ
વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી.સોમવારે રાત સુધીમાં ફાફડા જલેબીના ૧૫ સેમ્પલ
લીધા બાદ દશેરાના દિવસે શહેરમાં વેચાતા ફાફડા જલેબીના એક પણ સેમ્પલ લેવામાં નહીં
આવ્યુ હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.
દર વર્ષે દશેરાના પર્વ નિમિત્તે અમદાવાદમાં કરોડો રુપિયાની
કિંમતના ફાફડા અને જલેબીનું વેચાણ વિવિધ ઉત્પાદકો અને વિક્રેતાઓ તરફથી કરવામાં
આવતુ હોય છે.આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા કામગીરી
કરી હોવાનું બતાવવા માટે નામ પુરતા જ ફાફડા અને જલેબી કે ચોળાફળી સહિતની
ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવતા હોય છે.એમાં પણ
નાના વિક્રેતાઓને જ ટારગેટ કરવામાં આવતો હોય છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના
સત્તાવારસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,
સોમવારે રાત સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી ફાફડા-જલેબી,ચટણી અને ચોળાફળી
જેવી ચીજોના ૧૫ સેમ્પલ લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ
માટે મોકલી અપાયા હતા.દશેરાની સાંજ સુધીમાં ફુડ વિભાગે એક પણ સેમ્પલ લીધુ
નથી.મ્યુનિ.ના એડીશનલ એમ.ઓ.એચ.નો સંપર્ક કરતા તેમણે ફોન ઉપર સંપર્ક કરવાનુ ટાળ્યુ
હતુ.