સૌરાષ્ટ્રમાં જળતાંડવ: અનેક ગામો સંપર્કવિહોણા, NDRFની ટીમો તૈનાત, જુઓ ક્યાં કેવી હાલત
Heavy Rain In Saurashtra : રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર થઈ રહ્યો છે, ત્યારે અતિભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં એક-એક NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જેમાં કોઈ પ્રકારની જાનહાનિ કે દુર્ઘટના ના સર્જાય તે માટે NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવશે. આ સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે છ સ્ટેટ હાઈવે સહિત 35 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
રાજ્યમાં પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ધોધમાર વરસાદને પગલે રાજકોટ, પોરબંદર સહિત કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યારે દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું છે. બીજી તરફ, લીંમડી-દ્વારકા સ્ટેટ હાઈવે, પાનેલી હરીપરનો રસ્તો, કેનેડી અને ભાટિયા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે સાની ડેમમાં પાણીની આવક વધતા નજીકના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છ સ્ટેટ હાઈવે સહિત 35 જેટલા રસ્તાઓ બંધ હાતલમાં
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. જેમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. તેવામાં અતિભારે વરસાદને પગલે છ સ્ટેટ હાઈવે, 25 પંચાયત હેઠળના રસ્તાઓ સહિત અન્ય 10 જેટલા રસ્તાઓને બંધ હાલતમાં છે. બીજી તરફ, રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદે ભુક્કા બોલાવી દીધા છે, ત્યારે કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં નવ ઈંચ, વેરાવળ કેશોદમાં સાત ઈંચ, જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથના સુત્રાપાડામાં સાત ઈંચ સહિત જામજોધપુર, કુતિયાણા, મામાવદરમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં કચ્છ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બીજી તરફ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. અતિભારે વરસાદ પડતા પોરબંદરના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા.