નવસારીમાં ધર્માંતરણનો વિવાદ: વીડિયો વાયરલ થતા ત્રણ સામે ધાર્મિક લાગણી દુભાવવાની નોંધાઈ ફરિયાદ
Navsari News: નવસારીમાં સોશિયલ મીડિયામાં ધર્માંતરણનો અંગેનો એક વર્ષ જૂનો વીડિયો બે દિવસ પહેલાં વાયરલ થયો હતો. આ પ્રકરણમાં વિજલપોરની સેવન્થ ડે સ્કૂલના શિક્ષક દંપતી સહિત ત્રણ લોકો સામે હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવવા બાબતે નવસારીના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર દ્વારા જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે શિક્ષક દંપતીની ધરપકડ કરી નવસારી એસ.ઓ.જી પોલીસે તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, નવસારીના વિજલપોર શ્યામનગર ખાતે સેવન્થ ડે સ્કૂલના શિક્ષક દંપતી દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરાવવા બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે નવસારી પંથકના હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આ સંદર્ભે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ આવેદન પત્ર પાઠવ્યું હતું અને તેમાં સેવન્થ ડે સ્કૂલના શિક્ષક દંપતી કમલ નાસકર અને શિક્ષિકા પત્ની સરિતા નાસકર દ્વારા ધર્મ પરિવર્તન જેવી વટાવ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એવું બોલી રહ્યા છે કે, તમારા ઘરમાં જે કોઈ હિન્દુ દેવી-દેવતાઓના ફોટા હોય તેને ફેંકી દો કેમકે ઈશુ જ સૌથી મહાન ઈશ્વર છે.
હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહીની કરી માગ
આ વિશે સ્કૂલ બહાર હિન્દુ સંગઠનો દ્વારા સેવન્થ ડે સ્કૂલ બહાર લોકતાંત્રિક પદ્ધતિથી ધરણા પ્રદર્શન સાથે વિરોધ કર્યો હતો. આ સાથે હિન્દુ સંગઠને કહ્યું કે, વીડિયો પરથી સ્પષ્ટ સમજાય છે કે, આટલું હોવા છતાં સરકાર અને તંત્ર મૌન છે તે સનાતન સમાજ માટે શરમની વાત છે. સનાતન ધર્મ સહનશીલ છે પણ નપુસંક નથી. પાણી જ્યારે માથા પરથી વહે ત્યારે તેનો જોરદાર પ્રતિકાર પણ કરે છે. એમ જણાવી આ બાબતને ગંભીરતાથી લઈ ધર્માંતરણ કરાવતા બંને શિક્ષક દંપતી વિરુદ્ધમાં સરકાર અને પ્રસાશન કડક કાર્યવાહી કરી FIR દાખલ કરી જેલ ભેગા કરે, જેથી દાખલો બેસે અને અન્ય ઈસાઈ આવું કૃત્ય ન કરે.
શિક્ષક દંપતીએ માગી માફી
જોકે, સમગ્ર વિવાદ વકરતાં શિક્ષિકા સરિતા નાસકર દ્વારા આ ધર્માંતરણ મામલે પોતે કોઈ જ આવી ધર્માંતરણ પ્રવૃત્તિ ન કરી હોવાનું જણાવ્યું હતું. જેમાં શિક્ષિકાએ હિન્દુ સમાજની માફી માગતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે, આ નવસારીનો વીડિયો નથી. આ વીડિયો બારડોલીના બાબલા ગામનો છે, જ્યાં ખ્રિસ્તી સમાજની ધાર્મિક સભા યોજાઈ તેનો છે. આ સાથે જ વીડિયોમાં અમારી કોઈ વાતનું હિન્દુ ભાઈ-બહેનોને દુઃખ થયું હોય તો અમે માફી માગીએ છીએ. આ કોઈ ધર્માંતરણનું કામ ન હતું અને અહીં તમામ ખ્રિસ્તી લોકો જ હાજર હતા.
આ પણ વાંચોઃ નવસારીના વિરાવળ ગામની સીમમાંથી પૂર્ણા નદી કિનારેથી અજાણ્યા યુવાનની લાશ મળી
પોલીસે કરી દંપતીની ધરપકડ
આ મામલે હિન્દુ સંગઠન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ જલાલપોર પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. જેમાં પોલીસે સરિતા નાસકર તેના પતિ કમલ નાસકર તેમજ સફેદ કલરની સાડી અને સ્કાફ પહેરેલી અજાણી મહિલા સામે વાયરલ વીડિયોમાં બોલવામાં આવેલા શબ્દોથી પોતાની અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં પોલીસે આરોપી શિક્ષક કમલ નાસકર અને તેની પત્ની સરિતા નાસકરની એસ.ઓ.જી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ વિશે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વી. જે. જાડેજાએ સોશિયલ મીડિયાના વાયરલ વીડિયો અંગે જણાવ્યું કે, આ વીડિયો જૂનો છે અને તાપીના બાબલા ગામનો છે. નવસારીની સેવન્થ ડે સ્કૂલનો નથી. જેથી કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં. આ દરમિયાન હિન્દુ સંગઠનો દ્વારા ગઈકાલે જલાલપોર પોલીસ મથકે જઈ સેવન્થ ડે સ્કૂલના શિક્ષક દંપતી સામે ગુનો નોંધવવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી. પરિણામે આશ્ચર્યજનક રીતે યુ-ટર્ન લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.