કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં...આજથી શારદીય નવરાત્રિ શરુ, પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર
Navratri 2024: નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર. આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજ (ત્રીજી ઓક્ટોબર)થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે. જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. આ વખતે આસો સુદ ત્રીજ બે દિવસ છે, જ્યારે 12મી ઓક્ટોબરે નોમ અને દશેરા એક જ દિવસે મનાવાશે. અલબત્ત, અનેક સ્થળોએ 11મી ઓક્ટોબર સુધી જ ગરબાનું આયોજન કરાયું છે.
જે ચેતના, જે ઊર્જા, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, જેના દ્વારા સઘળી સૃષ્ટિની રચના છે એ શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ વ્યક્ત કરવાનો અવસર એટલે નવરાત્રિ. આજથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે.
ઉપાસના શરૂ કરવા તેમજ ઘટ સ્થાપન કરવા સવારે 6:31થી વિવિધ મુહૂર્ત છે. સવારે 6:31થી 8:01 શુભ, સવારે 11:01થી બપોરે 12:31 ચલ, બપોરે 12:31થી 2:01 લાભ, બપોરે 2:01થી ૩:30 અમૃત, સાંજે 5થી 6:30 શુભ, સાંજે 6:30થી 8 અમૃત જ્યારે રાત્રે 8થી 9:31 વાગ્યે ચલ મુહૂર્ત છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. પૃથ્વી પર જેટલા વ્રતો છે તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદના SG હાઈવેનો 5 કિ.મી.નો હિસ્સો એક્સિડન્ટ ઝોન, વાહનો રોંગસાઈડ જવા મજબૂર
નવરાત્રિ પૂજનથી ધન-ધાન્ય-સંતતિ, સુખ-સમૃદ્ધિ, આયુષ્ય-આરોગ્ય રક્ષણ, સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા, સુખ-સંપત્તિ -સૌભાગ્ય વગેરે લાભ થાય છે. શાસ્ત્રવિદોના મતે નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપ દૈવી શક્તિના વિજયનો ઉત્સવ. રામાયણના યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રિના વ્રત કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા. આમ, પોતાનું શુભ ઈચ્છનારે નવરાત્રિ દરમિયાન વ્રત કરવા જોઇએ. નવરાત્રિમાં ભક્તિ કરવાથી પૂર્વજન્મના દોષ, અપરાધ તેમજ આ જન્મમાં કોઇ દ્વિધા-સંતાપ હોય તે દૂર થાય છે.
ગરબા પાસની કિંમત રૂપિયા 200થી લઇને રૂપિયા 3 હજાર સુધી
અમદાવાદમાં આવનારા 10 દિવસમાં સૌથી વધુ ડિમાન્ડ કોઇની રહેશે તો તે ગરબાના પાસ હશે. ગરબાના પાસ ખરીદવા હોય તો ખેલૈયાઓએ એક દિવસના એક પાસ માટે રૂપિયા 200થી લઇને ત્રણ હજાર રૂપિયા સુધી ખર્ચવાની તૈયારી રાખવી પડશે. કેટલાક સ્થળોએ તમામ પાસ પ્રથમ નોરતાંથી જ સોલ્ડ આઉટ થઇ ગયા છે.
આજે સામાન્ય ઝાપટાં પડી શકે છે પછી વરસાદની સંભાવના નથી
હવામાન વિભાગના મતે અમદાવાદમાં આજે સાંજે 6થી 8 દરમિયાન હળવા ઝાપટાં પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે અમદાવાદમાં નવરાત્રિમાં બાકીના નોરતાં દરમિયાન વરસાદની કોઇ જ સંભાવના નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ધુમી શકશે.
નવરાત્રિમાં માતાજીના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમય
શક્તિપીઠ અંબાજી : આરતી સવારે 7:30થી 8, દર્શન સવારે 8થી 11:30, રાજભોગ બપોરે 12, દર્શન બપોરે 13:30થી 4:15, આરતી સાંજે 6:30થી 7, દર્શન સાંજે 7થી 9 વાગ્યા સુધી.
ચોટીલા ચામુંડા માતાજી: પગથીયાના દ્વાર સવારે 4:30 વાગ્યે ખુલશે અને સવારે 5 વાગ્યે આરતી. સાંજની આરતી સૂર્યાસ્તના સમયે.
પાવાગઢ મંદિર : પ્રથમ-આઠમા નોરતે અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલાશે અને રાત્રિના 8 વાગ્યે બંધ થશે. આ સિવાયના નોરતામાં સવારે 5 વાગ્યે દ્વાર ખોલાશે અને રાત્રે 8 વાગ્યે બંધ થશે.
ભદ્રકાળી મંદિર અમદાવાદ: સવારે 6થી રાત્રિના 12 સુધી દર્શન થઈ શકશે. રોજ રાત્રિના 9થી 12 મંદિરના ચોકમાં ગરબાનું પણ થશે.