નવરાત્રિમાં 12 વાગ્યા સુધી જ માઇકની પરવાનગી, પોલીસની ગાઇડલાઇનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું!

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
નવરાત્રિમાં 12 વાગ્યા સુધી જ માઇકની પરવાનગી, પોલીસની ગાઇડલાઇનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું! 1 - image


Police Guidelines For Navratri 2024: સસ્તી પ્રસિદ્ધિ માટે ટેવાયેલા ગુજરાતના ગૃહમંત્રીએ પાંચ વાગ્યા સુધી ગરબે ઘૂમજો એવી શેખી હાંકી હતી. અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું થઈ ગયું છે તો આયોજકો અને પૈસા ખર્ચી ગરબે રમનારા દ્વિધામાં પડ્યા છે. અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઇક વગાડવાની મંજૂરી અપાઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાના 150 વ્યાવસાયિક આયોજનો અને અગણિત શેરી ગરબામાં રમનારા માઈભક્તો ગરબે રમવા સજ્જ છે.

અમદાવાદમાં 80 અને જિલ્લામાં મળી ગરબાના 150 જાહેર આયોજનો

અમદાવાદ શહેરમાં વ્યાવસાયિક ગરબાના આયોજનની 80 અરજીઓ આવી છે. સાથે જ જે આયોજકો પાસ વેચીને એન્ટ્રી આપે છે તેમણે પોલીસ કમિશ્નર કચેરીમાં જ મંજૂરી લેવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની રહેશે તેમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.

નવરાત્રિ મહોત્સવમાં આયોજકો અને વ્યવસ્થાપકો માટે જાહેર કરાયેલી સૂચના મુજબ, તમામ આયોજકોએ ગરબીની સ્થાપના, આયોજનો અડચણ કે અવરોધ ન થાય તે રીતે કરવા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. વ્યાવસાયિક આયોજનોમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટોની સંખ્યા વઘુમાં વઘુ કરવાની રહેશે. દરેક દરવાજા ઉપર સિક્યોરિટીના માણસો રાખવા ઉપરાંત અલગથી ઇમરજન્સી ગેટની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે. 

ગરબાના સ્થળોએ લોકોની સલામતી, મહિલા સુરક્ષા, ટ્રાફિકની જાળવણી ઉપરાંત કોઈપણ કેફી પદાર્થના સેવન કરીને આવેલી વ્યક્તિ અંદર પ્રવેશે નહીં તે સ્પષ્ટ કરવા એક-એક જવાબદાર વ્યક્તિની નિમણૂક કરી તેમના નામ-સરનામા અને મોબાઇલ નંબર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. એન્ટ્રી ગેટ ઉપર મેટલ ડિટેક્ટરવાળા પ્રવેશદ્વાર, બ્રેથ એનેલાઇઝર, ગરબાના પ્રવેશ અને રમવાના સ્થળોએ સીસીટીવીની વ્યવસ્થા કરવાની રહેશે. કોઈ વ્યક્તિ બેગ કે અન્ય વસ્તુ લઈને આવે તો તેની ચકાસણી કરવી અને તેને ટોકન આપીને જમા કરવી, ગ્રાઉન્ડ ઉપર લઈ જવા નહીં દેવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. ગરબામાં રમનાર અને જોનારા વચ્ચે મજબૂત બેરિકેડીંગ કરવા પણ આદેશ કરાયો છે. 

કોઈપણ આયોજકોએ સ્થળની ક્ષમતા કરતાં વઘુ પ્રમાણમાં ટિકિટ કે પાસનું વેચાણ કે વિતરણ કરવા નહીં. વીજળી ગુલ થાય તો જનરેટર કે વૈકલ્પિક વ્યવસ્થા રાખવી. સ્ટેજની મજબૂતાઈ માટે પીડબલ્યુડીનું પ્રમાણપત્ર મેળવવું. ગરબામાં 12 વાગ્યા સુધી જ માઇક વગાડી શકાશે અને સમયમર્યાદામાં ગરબા પૂરા કરવા સાથે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. ગરબામાં દિવસ દરમિયાન પણ સુરક્ષા વ્યવસ્થા રાખી વોચ ટાવરથી નજર રાખવી. કોઈ નેતા કે અન્ય વ્યક્તિ ઉશ્કેરણી ન સર્જે તેની તકેદારી લેવાની પણ સૂચના અપાઈ છે.


Google NewsGoogle News