Get The App

ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે, વર્ષે 172 લાખ મેટ્રિક ટનથી વધુ થાય છે ઉત્પાદન

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
National Milk Day


National Milk Day : ભારતમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ આજીવિકાને સમૃદ્ધ બનાવવા માટે દર વર્ષે 26મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે. જેમાં દેશની સાથે-સાથે ગુજરાત રાજ્ય પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. છેલ્લા 22 વર્ષ દરમિયાન સમગ્ર દેશના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 8.46 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. જેમાં ગુજરાતના દૂધ ઉત્પાદનમાં 119.63 લાખ મેટ્રિક ટન એટલે કે, સરેરાશ 10.23 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 7.49 ટકા

દૂધ એ માત્ર પોષણક્ષમ આહાર જ નહિ, પરંતુ ભારતના અનેક લોકો માટે આજીવિકાનું માધ્યમ બન્યું છે. ગ્રામીણ ભારતના અનેક નાગરીકો, ખાસ કરીને મહિલાઓ પશુપાલન વ્યવસાય પર નભે છે. ભારત વિશ્વફલક પર મિલ્ક પ્રોડક્શન હબ બન્યું છે, ત્યારે આજે ગુજરાત વાર્ષિક 172.80 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન અને ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.49 ટકાના યોગદાન સાથે દેશમાં ચોથા ક્રમાંકે છે. 

ગુજરાતની માથાદીઠ દૂધ ઉત્પાદકતામાં અભૂતપૂર્વ વધારો

ગુજરાતના દૂધ ઉત્પાદનમાં વધારો થતાં, રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતામાં પણ છેલ્લા 22 વર્ષ દરમિયાન અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. જેમાં વર્ષ 2000-01માં ગુજરાતની માથાદીઠ દૂધની ઉપલબ્ધતા માત્ર 291 ગ્રામ પ્રતિ દિવસ હતી. જ્યારે વર્ષ 2022-23માં સમગ્ર દેશની માથાદીઠ દૂધની ઉપલબ્ધતા 459 ગ્રામ પ્રતિ દિવસ સુધી પહોંચી છે, ત્યારે ગુજરાતની માથાદીઠ દૂધ ઉત્પાદકતા 670 ગ્રામ પ્રતિ દિવસ થઈ છે.

આ પણ વાંચો : રાષ્ટ્રીય દૂધ દિવસ : વડોદરા જિલ્લાની 680 દૂધ મંડળીઓમાં 104613 પશુપાલકો જોડાયેલા, દૈનિક 5.83 લાખ કિલો દૂધની આવક

ગુજરાતમાં પશુપાલકો અને ગ્રાહકો વચ્ચે અમૂલ ફેડરેશન સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. વર્ષ 1973માં માત્ર 6 સભ્ય સંઘો અને 49 કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે શરુ થયેલું અમૂલ ફેડરેશન હાલ ગુજરાતમાં 18 સભ્ય સંઘો ધરાવે છે. આ 18 સભ્ય સંઘોના માધ્યમથી અમૂલ ફેડરેશન પ્રતિદિન રાજ્યભરમાંથી 3 કરોડ લીટરથી પણ વધુ દૂધ એકત્રિત કરે છે. ગુજરાતમાંથી એકત્રિત કરેલા દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી અમૂલ તેનું ભારતભરમાં તેમજ 50 જેટલાં વિવિધ દેશોમાં પણ વેચાણ કરી રહ્યું છે. ડેરી વિકાસના અમૂલ મોડેલે પશુપાલકોનાં સામાજિક આર્થિક વિકાસ માટે આત્મનિર્ભર મોડેલ રચીને વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં ઠંડીનો ચમકારો, ગિરનાર પર્વત પર 9.3 ડિગ્રી સુધી પારો ગગડતાં લોકો ઠુંઠવાયાં

ગુજરાત સરકારે છેલ્લા 22 વર્ષમાં હાથ ધરેલા આવા અનેક પ્રયાસોના પરિણામે વર્ષ 2000-01ની સરખામણીએ વર્ષ 2022-23માં દેશી ગાયની દૂધ ઉત્પાદકતામાં 57 ટકા, સંકર ગાયની દૂધ ઉત્પાદકતામાં 31 ટકા, ભેંશની દૂધ ઉત્પાદકતામાં 38 ટકા અને બકરીની દૂધ ઉત્પાદકતામાં સરેરાશ 51 ટકા જેટલો વધારો થયો છે.


Google NewsGoogle News