નર્મદા જિલ્લામાં વધુ એક શરમજનક ઘટનાઃ રસ્તાના અભાવે પ્રસૂતાએ ઝોળીમાં જ બાળકને આપ્યો જન્મ
Narmada News: ગુજરાતમાં વિકાસની બૂમો પાડતી ભાજપ સરકારની પોલ ખોલતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે વધુ એક પ્રસૂતાને જંગલની વચ્ચોવચ પોતાના બાળકને જન્મ આપવો પડ્યો હતો. આ પહેલાં પણ આવી જ એક ઘટના છોટા ઉદેપુરમાં બની હતી, ત્યારે હાઇકોર્ટે ફટકાર લગાવી રસ્તા બનાવવાનું કામ શરુ કરવા આદેશ આપ્યો હતો. જોકે, આ નિંભર તંત્રને આદિવાસીઓના જીવની પડી જ ન હોય તે રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ચાપટ ગામના પાયલ વસાવાને રાત્રે પ્રસવ પીડા ઉપડી હતી. જોકે, ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ નહતું, તેથી પરિવારે પ્રસૂતાને સાડીની ઝોળી બનાવી હૉસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી. પરંતુ, પરિવારજનો પ્રસૂતાને હૉસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં જ મહિલાએ જંગલમાં જ બાળકને જન્મ આપી દીધો. બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનો ફરી મહિલા અને બાળકને ઝોળીમાં નાખી હૉસ્પિટલ સારવાર માટે લઈ જવા નીકળી પડ્યા.
ગામડાની સ્થિતિ
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું છે. આ ગામમાંથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 10 કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવું પડે છે. જેથી, ગામમાં કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન પણ આવી શકતું નથી. આ ગામથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા કોઈ પાક્કો રસ્તો બનાવવામાં નથી આવ્યો.
આ શરમજનક વીડિયો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે ખુલાસો આપ્યો કે, 19 વર્ષીય પાયલ વસાવા સગર્ભા બનતાં આરોગ્ય વિભાગ સતત કાળજી લેતું હતું. તેઓ મમતા દિવસમાં તપાસ માટે આવ્યા ત્યારે કોઈ તકલીફ નહતી તેથી તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા. જોકે, ઘરે પહોંચ્યા બાદ રાત્રે પ્રસવ પીડા ઉપડતાં રસ્તા વચ્ચે જ ડિલિવરી થઈ ગઈ હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ ગધેર ગામ પાસેથી મહિલા અને બાળકને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર લાવ્યા. ત્યાં મેડિકલ ઑફિસર અને નર્સ દ્વારા બાળક અને માતાની જરૂરી સારવાર કરવામાં આવી. હાલ, બાળક અને માતા બંને સુરક્ષિત છે.
આ પણ વાંચોઃ 'ટનલ બને તો ગામડાના રોડ કેમ નહીં?' પ્રસુતાના મોત અંગે સરકાર પર ભડકી ગુજરાત હાઇકોર્ટ
હાઇકોર્ટે લગાવી ફટકાર
નોંધનીય છે કે, આ પહેલાં પણ 2 ઑક્ટોબરે છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. જ્યાં 108ના અભાવના કારણે મહિલા સમયસર હૉસ્પિટલ ન પહોંચી શકી અને હૉસ્પિટલના પ્રાંગણમાં જ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકના જન્મ બાદ માતાનું મોત થઈ જતાં સરકાર અને તંત્રની ભારે ટીકા થઈ હતી. ત્યારબાદ હાઇકોર્ટે સુઓમોટો લઈ સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે, આ ઘટનાથી અમારા માથા શરમથી ઝૂકી ગયા છે. ત્યારબાદ હાઇકોર્ટે 15 દિવસમાં રોડ બનાવવાનો સરકારને આદેશ આપ્યો હતો.