Get The App

ફેક આધાર કાર્ડ વડે મુસ્લિમ યુવતીને હિન્દુ ગણાવી દિવ્યાંગ યુવક સાથે કરાવ્યાં લગ્ન, મેરેજ બ્યૂરોનું કારસ્તાન

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
ફેક આધાર કાર્ડ વડે મુસ્લિમ યુવતીને હિન્દુ ગણાવી દિવ્યાંગ યુવક સાથે કરાવ્યાં લગ્ન, મેરેજ બ્યૂરોનું કારસ્તાન 1 - image


Marriage Buro Cheated Disable Man: ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં રહેતા એક દિવ્યાંગ યુવકે વાડજમાં મેટ્રીમોનિયલ એજન્સીની મદદથી એક યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ, યુવકને શંકા જતા તેણે તપાસ કરી ત્યારે તેને આંચકો લાગ્યો હતો. યુવકને ખબર પડી કે, જેની હિન્દુ યુવતી સમજી જેની સાથે લગ્ન કર્યાં તે મુસ્લિમ હતી. મેટ્રીમોનિયલ સંસ્થાના સંચાલકે મુસ્લિમ યુવતીને હિન્દુ હોવાનું આધાર કાર્ડ બતાવીને છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો? 

ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં રહેતા એક યુવકને લગ્ન કરવાના હોવાથી તેણે  તેના એક સંબધીના રેફરન્સથી વાડજમાં ઉત્સવ સોસાયટીમાં મેરેજ બ્યુરો ધરાવતા વિનોદ સોની નામના વ્યક્તિનો સપંર્ક કર્યો હતો. વિનોદે યુવકને ખાતરી આપી હતી કે તે તેને અનુરૂપ યુવતી શોધી આપશે. જેના બદલામાં 2.31 લાખ રૂપિયા નક્કી કરતા યુવકે તે નાણાં ચુકવી આપ્યા હતાં. ત્યારબાદ વિનોદ સોનીએ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી આહિરે રોશની નામની યુવતી સાથે નવરાત્રિના પહેલાં નોરતે યુવકના લગ્ન કરાવી કરાવી આપ્યા હતાં. યુવતીના પુરાવા રૂપે યુવકને આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું. 

મોબાઈલથી પકડાઈ સમગ્ર છેતરપિંડી

પરંતુ, નવરાત્રિમાં પુજા કરતા સમયે યુવતીનું વર્તન અલગ જણાયું હતું. બીજા દિવસે તક મળતા યુવતી રોશનીનો મોબાઈલ ચેક ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો. કારણ કે તેને રોશનીના મોબાઇલ ફોનમાં  એક આધાર કાર્ડનો ફોટો અને સ્કૂલ સર્ટીફિકેટનો ફોટો મળી આવ્યો હતો. જેમાં યુવતીનું સાચુ નામ નિખત ફાતીમા શેખ ખલીલ હતું અને તે ઔરંગાબાદના અસફિયા કોલોનીની રહેવાસી હતી. જ્યારે રોશનીના નામનું આધાર કાર્ડને મોર્ફ કરીને નિખત ખલીલનો ફોટો લગાવવામાં આવ્યો હતો. સ્કૂલ સર્ટીફિકેટ મહારાષ્ટ્રના ઔરંગાબાદની સરકારી શાળાનું બનાવટી આપવામાં આવ્યું હતું. આમ, યુવકને લગ્ન માટે હિન્દુ યુવતી હોવાનું કહીને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરાવીને વિનોદ સોનીએ છેતરપિંડી આચરી હતી. 

છેતરપિંડીનો ભોગ બનનાર યુવકે નિખત ખલીલ નામની યુવતીની વઘુ પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે એક સંતાનની માતા પણ છે. વિનોદ સોનીએ તેને બનાવટી આધાર કાર્ડ સાથે ખોટી ઓળખથી મોકલી હતી. સાથે ખાતરી આપી હતી કે તેને કોઈ મુશ્કેલી નહી પડવા દે. બદલામાં તેને નાણાં આપવામાં આવ્યા હતા. 

પોલીસે હાથ ધરી તપાસ

આ અંગે યુવકે વિનોદ સોનીનો સંપર્ક કરતા તેણે યુવકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને યુવતી લગ્ન બાદ પરત મુકી ગયાની ફરિયાદ દાખલ કરવાનું કહ્યું હતું. આમ, યુવક સાથે લગ્નના નામે મુસ્લિમ યુવતીને હિન્દુ યુવતી તરીકે પરણાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News