અમદાવાદ કોર્પોરેશનના ડે. મ્યુનિસિપલ કમિશનરને ધક્કા ખવડાવવા ભારે પડ્યા, હાઇકોર્ટમાં માફી માંગવી પડી
Gujarat High Court: સિનિયર સિટીઝન મહિલાના પતિના ડેથ સર્ટિફિકેટમાં ભૂલ સુધારવામાં ગલ્લાં તલ્લાં કરનાર AMC સત્તાધીશોની ગુજરાત હાઇકોર્ટ ઝાટકણી કાઢી હતી. એક તબક્કે AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અદાલતમાં રૂબરૂ હાજર રહી માફી માંગવી પડી હતી. તેમજ મહિલાના પતિના મૃત્યુના પ્રમાણપત્રમાં ભૂલ સુધારી આપવાની ખાતરી આપી હતી. હાઇકોર્ટે AMCને કડક તાકીદ કરી હતી કે, આવી અરજીઓના કિસ્સાઓમાં AMC સત્તાધીશોએ યોગ્ય નિકાલ કરવો અને કોર્ટનું બિનજરૂરી ભારણ વધારવુ નહી.
આવી અરજીનો યોગ્ય રીતે નિકાલ કરવો: હાઈકોર્ટ
હાઇકોર્ટે AMC સત્તાધીશોની આકરી ટીકા કરતાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં AMC સત્તાધીશો દ્વારા મગજનો ઉપયોગ કરાયો નથી. ચાર મહિનાથી સિનિયર સીટીઝન મહિલા AMC અને સિવિલ હોસ્પિટલ વચ્ચે ધક્કા ખાઇ રહી છે.
કોર્ટનું બિનજરૂરી ભારણ નહી વધારવા AMCને તાકીદ
સર્ટીફિકેટમાં સુધારો કરી આપવાની જગ્યાએ AMC કર્મચારીઓએ તેને સિવિલ હોસ્પિટલના ધક્કા ખવડાવ્યા છે. આ કેસની સુનાવણી દરમ્યાન સાઉથ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવુ પડયુ હતુ અને તેમણે હાઇકોર્ટની બિનશરતી માફી માંગી હતી.
તેમણે મહિલાના પતિના ડેથ સર્ટિફિકેટમાં પુરાવા રજૂ થયા બાદ જરૂરી સુધારો કરી આપવાની ખાતરી આપી હતી. સાથે સાથે ભવિષ્યમાં આવુ નહી થાય તેવી કોર્ટને હૈયાધારણ આપી હતી.