મ્યુનિ.કમિશનર આકરા પાણીએ , નવા રોડ બનાવી દો છો પછી પાણી-ગટર લાઈન નાંખવા મંજૂરી માંગો છો
એડીશનલ સિટી ઈજનેર અને ડેપ્યુટી સિટી ઈજનેરને નોટિસ આપવા સુચના આપી
અમદાવાદ,બુધવાર,14 ફેબ્રુ,2024
વસ્ત્રાલ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેકટની કામગીરી માટે રોડ
ખોદવાની મંજૂરી મંગાતા મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ ઉપર બગડયા હતા.પહેલા નવા રોડ
બનાવી દો છો પછી પાણી અને ગટરની લાઈન નાંખવા મંજૂરી માંગો છો એમ કહી એડીશનલ સિટી
ઈજનેર અને ડેપ્યુટી સિટી ઈજનેરને નોટિસ આપવા તેમણે સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મ્યુનિ.ના
વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી.આ બેઠકમાં વસ્ત્રાલ વિસ્તારમાં ડ્રેનેજ
પ્રોજેકટની કામગીરી માટે રોડ ખોદવાની મંજૂરી માંગવામાં આવી હતી.આ રોડ હજુ ડીફેકટ
લાયબીલીટી પિરીયડમાં છે.ડી.એલ.પી.હેઠળનો રોડ ખોદવા મંજૂરી માંગવામા આવતા
મ્યુનિ.કમિશનર નારાજ થયા હતા.આ જ સમયે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પણ આ પ્રમાણે એક રોડ
ખોદવા અંગેની બાબત કમિશનરના ધ્યાન ઉપર મુકવામા આવતા મ્યુનિ.કમિશનરે ઉત્તર-પશ્ચિમ
ઝોનના એડીશનલ સિટી ઈજનેર વિજય સી પટેલ તથા ડેપ્યુટી સિટી ઈજનેર પ્રણય પંડિતને
નોટિસ ફટકારવા સુચના આપી હતી. હવે પછી પાણી અને ગટરની કામગીરી પુરી કર્યા બાદ જ
રોડની કામગીરી કરવા અધિકારીઓને તાકીદ કરી
હતી.બાકી મિલકતવેરાની વસૂલાત માટે સીલીંગ ઝૂંબેશ વધુ સઘન બનાવવા ઉપરાંત શહેરના
માવા અને પનીરના વેપારીઓ સાથે ફુડ સેફટીને લઈ મિટીંગ કરવા તેમજ એસ્ટેટ વિભાગને
ટી.પી.સ્કીમના રોડ તાકીદે ખોલવા,વિવિધ
રોડ ઉપરના દબાણ હટાવવા સુચના આપી હતી.સી.એન.સી.ડી.વિભાગને હજુ પણ જે વિસ્તારમાં
રખડતા પશુ જોવા મળતા હોય એને પકડવા સુચના આપી હતી.