મ્યુનિ.એ મારેલ સીલ બે વખત તોડી બાંધકામ કરાયુ , બોપલમા ૩૫૦૦ ચોરસફુટનુ કોમર્શિયલ બાંધકામ અંતે તોડાયું
હાઈકોર્ટ દ્વારા બાંધકામ કરનારને પચાસ હજારનો દંડ પણ ફટકારાયો
અમદાવાદ, મંગળવાર, 11 ઓકટોબર,2022
અમદાવાદના બોપલમા ગેરકાયદે બાંધકામને અટકાવવા મ્યુનિ.તંત્રે
બે વખત બાંધકામ સાઈટને સીલ માર્યા બાદ મ્યુનિ.એ મારેલ સીલ તોડી બાંધકામ ચાલુ રખાતા
મ્યુનિ.દ્વારા આપવામા આવેલ નોટિસો સામે હાઈકોર્ટમા દાવો કરાતા મ્યુનિ.તંત્ર તરફથી
પણ દાવો કરવામાં આવ્યો હતો.અંતે હાઈકોર્ટમા કેસ ચાલી જતા હાઈકોર્ટ દ્વારા બાંધકામ
કરનારને પચાસ હજારનો દંડ ફટકારવા સાથે બાંધકામ તોડી પાડવા આદેશ કરતા ૩૫૦૦
ચોરસફુટના કોમર્શિયલ બાંધકામને તોડી પડાયુ છે.
બોપલ વિસ્તારમા બી.આર.ટી.એસ.રુટ ઉપર ઈલેકશન વોર્ડ જોધપુરમા
ટી.પી.સ્કીમ નંબર-બે બોપલના ,સુચિત
ફાયનલ પ્લોટ નંબર-૬૫૫ પૈકીમા આવેલ અન્વેષણ સોસાયટીમા પરવાનગી વગર ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત પહેલા અને
બીજા માળે કોમર્શિયલ બાંધકામ કરાઈ રહયુ હતુ.મ્યુનિ.તંત્રે બાંધકામ અટકાવવા કલમ-૨૬૦
મુજબની નોટિસ આપ્યા બાદ આ વર્ષે ૧૩ જાન્યુઆરીએ બાંધકામ સીલ કર્યુ હતુ.જે સીલ તોડી
બાંધકામ ચાલુ રખાતા ૧૮ જુન-૨૦૨૨ના રોજ
ફરીથી બાંધકામ સાઈટ સીલ કરી હતી.આમ છતા બાંધકામ અટકયુ નહોતુ.
મ્યુનિ.દ્વારા આપવામા આવેલ નોટિસો સામે હાઈકોર્ટમા
સ્પે.સીવીલ એપ્લિકેશનથી દાવો દાખલ કરાતા મ્યુનિ.તંત્રે પણ દાવો દાખલ કર્યા બાદ આ
કેસ હાઈકોર્ટમા ચાલી જતા હાઈકોર્ટે દાખલારુપ હુકમ કરી બાંધકામ કરનારાઓને પચાસ
હજારના દંડનો હુકમ કર્યો હતો.મ્યુનિ.તરફથી હાઈકોર્ટ પેનલ એડવોકેટ ગુરુશરણસિંહ
વિર્ક દ્વારા કરવામા આવેલી દલીલો બાદ બોપલ પોલીસના બંદોબસ્ત સાથે આ બાંધકામ તોડી
પડાયુ હતું.