કલોલના બે શખસનું કારસ્તાન, છેતપિંડી કરીને ત્રણ મહિનામાં 60 કરોડ કમાયા
મુંબઈ પોલીસે ફરિયાદ આધારે બંને શખસની ધરપકડ કરી
Mumbai police arrest two Gujarati man in online scam case : દેશમાં રોજ છેતરપિંડી અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે જેમાં યુવાનો ઝડપથી રૂપિયા કમાવવા માટે ટૂંકા રસ્તા અપનાવતા હોય છે ત્યારે આવા જ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે જેમાં ગુજરાતના બે ભેજાબાજોએ બે નંબરી ધંધાથી ફક્ત ત્રણ જ મહિનામાં 60 કરોડ રૂપિયા કમાઈ લીધા હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જો કે મુંબઈ પોલીસને ફરિયાદ થતાં બંને શખસની ધરપકડ કરવામાં આવી છે.
બે મહિના પહેલા ક્રિશ નામના વિદ્યારથીને પાર્ટ ટાઈમ જોબનો મેસેજ આવ્યો હતો
બે મહિના પહેલા ક્રિશ નામના વિદ્યાર્થીને પાર્ટ ટાઈમ જોબ કરીને દિવસના ત્રણથી પાંચ હજાર રૂપિયા કમાઈ શકે તેવો એક મેસેજ મળ્યો હતો. ઓ મેસેજ પર જ્યારે તેણે કોલ કર્યો હતો ત્યારે એક મહિલા દ્વારા યુવકને 1000 રૂપિયા રોકાણ કરશે તો તેને 300, 2000 રૂપિયા રોકાણ કરશે તો 600 અને 3000 રૂપિયાનું રોકાણ કરશે તો 900 રૂપિયા જેટલો પ્રોફ્ટિ થશે તેવું કહ્યું હતું, જેની લાલચમાં ક્રિશે અલગ-અલગ રીતે કુલ 2 લાખ 45 હજાર રૂપિયા રોક્યા હતા. જેમ જેમ રુપિયા રોક્યા તેમ તેના પ્રોફિટના મેસેજ મળતા હતા. જ્યારે પોતાના થયેલા પ્રોફિટ વિડ્રો કરવા ગયો ત્યારે એક પણ રૂપિયા વિડ્રો કરી શક્યો ન હતો, જેથી તેની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા તેમણે મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરતા ગુજરાતના બે યુવકોના કારસ્તાનનો પર્દાફાશ થયો
આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી અને ક્રિશે જે બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા તે એકાઉન્ટને ટ્રેસ કરતા માલૂમ પડ્યું હતું કે તમામ ખાતા ખોટી કંપનીના નામે ખોલવામાં આવ્યા હતા. પોલીસની ઉંડાણપૂર્વક તપાસ કરતા ગુજરાતના કલોલ નજીક સઈજ ગામના રૂપેશ ઠક્કર અને પંકજ ઓડે ખોટા દસ્તાવેજના આધારે આ ખાતા ખોલ્યાનું બહાર આવ્યું હતું. આ બંને ભેજાબાજની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી અને તેમના દ્વારા ખોલવામાં આવેલા ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. આ બંનેની પૂછપરછ કરતા તેમણે એલેક્સ નામના વ્યક્તિનું નામ આપ્યુ હતું જે લંડનમાં છૂપાયો હવાની આશંકા છે. પોલીસને આ રૂપેશ અને પંકજ પાસેથી 33 ડેબિટ, ક્રેડિટ કાર્ડ મળી આવ્યા હતા. હાલ મુંબઈ પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.