અમદાવાદમાં શ્વાને શોધી કાઢી નવજાત બાળકને ત્યજી દેનાર માતા, પોલીસ પહોંચી તો ગંભીર હાલતમાં હતી યુવતી
બોપલ વિસ્તારના શીલજ ગામ નજીકમાં અવાવરુ જગ્યાએ કોઈ નવજાત શિશુ મુકીને જતું રહ્યું હતુ. તેવામાં શેરીના શ્વાનો ભસતા હોવાથી નજીકમાં રહેતા શ્વેતાબહેન ત્યાં જઈને જોતા તેમને નવજાત શિશુ નજરે ચડતા બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસે બાળકના માતા-પિતાની તપાસ માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડોગની મદદ લેતા થોડાક જ સમયમાં બાળકના માતાની શોધ કરી લેવામાં આવી હતી.
નવજાત બાળકને હોસ્પિટલ લઈ જવાયુ
શીલજ ગામ નજીકમાં ખુલ્લામાં અવાવરુ જગ્યાએ કોઈ પોતાનું નવજાત બાળક ત્યજીને જતુ રહ્યું હતુ. નવજાતની નાળ પણ કાપી ન હોવાથી તેને હોસ્પિટલ લઈ જવાયું હતું. ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી. તેવામાં બાળક કોનુ છે તેની તપાસ કરવા માટે પોલીસે ચેસર નામના ડોગની મદદ લીધી હતી.
ડૉગ ચેસરે મહિલા જ્યાં રહે છે, તે સ્થળ શોધી કાઢ્યું
બાળકના માતાની તપાસ કરવામા માટે ઘટના સ્થળ પર પડેલા દુપટ્ટાને ચેસર ડોગને સુંઘાડી આજુબાજુના 500 મીટરના વિસ્તારમાં સર્ચ શરુ કર્યુ હતુ. ત્યારબાદ, ઘટના સ્થળે 150 મીટરના અંતરે ચેસર ઉભો રહેતા પોલીસ ત્યાના ઘરમાં તપાસ કરતા એક મહિલા ગંભીર હાલતમાં મળી આવી હતી. આમ તે મહિલા હાલ કોઈ બાળકને જન્મ આપ્યો હોય તેવી પ્રાથમિક તપાસમાં ખુલતા બોપલ પોલીસે તત્કાલિક મહિલાને હોસ્પિટલ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
તેવામાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બાળકની માતાની ઉંમર 18 વર્ષની આસપાસ છે અને તે રાજસ્થાનની વતની છે. આ ઉપરાંત, બાળકની માતા લગ્ન પણ ન થયા હોવાનું તપાસમાં સામે આવ્યુ હતુ. જેમાં માતા સંબંધ કોની સાથે હતા અને બાળકને ત્યજી દેવા પાછળનું કારણો શું છે, આ સમગ્ર ઘટના મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.