નરોડામાં માતાએ પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ કૂદકો મારી કરી આત્મહત્યા, માનસિક બિમારીની ચાલતી હતી દવા
Suicide Case in Ahmedabad: અમદાવાદના નરોડા વિસ્તારમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. માતા માનસિક રીતે અવસ્થ હોવાથી દવા ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર નરોડના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરાજબેન વાણીયાએ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ તેમણે પણ કૂદકો મારી આત્મહત્યા કરી લીધી છે. વિરાજબેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાળક માનસિક રીતે અસ્થિર હતો અને વિરાજબેનની પણ માનસિક સ્થિતિ સારી ન હોવાથી દવા ચાલતી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પડોશીઓ તેમજ પરિવારજનો સાથે પૂછપરછ કરી વધુ વિગતો પ્રાપ્ત કરવામાં આવી રહી છે.