ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના, પરિજનોનું મૌન
Deported from the US: અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત 104 ભારતીય ઈમિગ્રન્ટસને પાછા વિમાન માર્ગે ધકેલવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાના 32 લોકોનો સમાવેશ થાય છે.
મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારના
આ સમગ્ર મામલે વતનમાં પરત ફરી રહેલા લોકોના પરિવાર અને ગ્રામજનોએ કંઈપણ કહેવાનો ઇનકાર કરીને સુચક ચુપકીદી સાધી લીધી છે. જોકે, પાછા ધકેલાયેલા લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવનાર સંભવિત પુછપરછમાં કબુતરબાજીની ચોંકાવનારી હકિકતનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે.
ઉત્તર ગુજરાતના 32 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા
ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જોરણંગ, વસાઈ, ડાભલા, ચંદ્રનગર, ખેરવા, મેઉ, ખણુંસા, ડભાડા, વાલમ, ડીસા, સિઘ્ધપુર, બોરૂ, વડસ્મા, માણસા, મણુંદ, ઈન્દ્રપુરા સહિતના ગામોના 32 લોકોનો સમાવેશ થાય છે.
અમેરિકાથી પરત મોકલવામાં આવેલા લોકોના નામની યાદી જાહેર
અમેરિકામાં ધુસણખોરી કરતા પકડાયેલા ઉત્તર ગુજરાતના લોકોમાં મહેસાણા જિલ્લાના 9, ગાંધીનગર જિલ્લાના 14, પાટણ જિલ્લાના 4, બનાસકાંઠાના 1વ્યકિતને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા હોવાની યાદી જાહેર કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લાનો ડોલરિયો વિસ્તાર ચર્ચાની એરણે
મહેસાણા જિલ્લામાં ખેરવા, જોરણંગ, મેઉ આસપાસના ગામડાઓને ડોલરિયો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ પંથકમાંથી અનેક લોકો વર્ષોથી અમેરિકા સહિત વિદેશોમાં વસવાટ કરી રહ્યો હોવાનું જાણવા મળે છે. દરમિયાન, અમેરિકા સરકારે કરેલી કાર્યવાહી બાદ ગેરકાયદેસર ધુસણખોરી કરતા પકડાયેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવતાં મહેસાણાનો ડોલરિયો વિસ્તાર ચર્ચાના એરણે આવ્યો છે.
મેઉની મહિલા અને ખેરવાની યુવતિને ડિપોર્ટ કરાઈ
મહેસાણા તાલુકાના મેઉ ગામના પરામાં રહેતા 60 જેટલા લોકો હાલમાં અમેરિકા સહિત અન્યા દેશોમાં વર્ષોથી વસવાટ કરી રહ્યા હોવાનુ માનવામાં આવે છે. ત્યારે અમેરિકન સરકારે ડિપોર્ટ કરેલ ભારતિયોમાં મેઉ ગામની એક મહિલા તેમજ 7 માસ અગાઉ અમેરિકાની વાટ પકડનાર ખેરવા ગામની યુવતીનો સમાવેશ થાય છે. બંને ગામોમાં લોકો સાથે આ અંગે વાતચીત કરવાનો પ્રયત્ન કરતાં પરિવાર કે ગ્રામજનો કંઈ પણ કહેવા તૈયાર થયા ન હતા.
નડિયાદના મંજીપુરાનો યુવક અને પેટલાદની યુવતી ડિપોર્ટ
ગેરકાયદે અમેરિકામાં રહેતા મૂળ ગાંધીનગરના માણસા અને હાલ નડિયાદના મંજીપુરા નજીક રહેતા પરિવારના યુવક સ્મિત પટેલને ડિપોર્ટ કરાયો હતો. જો કે, આ અંગે યુવકના પરિવારે મૌન સેવ્યું હતું. જ્યારે આણંદ જિલ્લાના પેટલાદની શિવાની પ્રકાશગીરી ગૌસ્વામી (ઉં.વ.27) પરિવાર પેટલાદમાં હાલ નહીં હોવાનું જાણવા મળ્યું છે.