Get The App

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ટોલટેક્સના નામે લૂંટ, બગોદરા-બામણબોર ટોલ પ્લાઝાએ 84ના બદલે 1210ની ઉઘરાણી

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ટોલટેક્સના નામે લૂંટ, બગોદરા-બામણબોર ટોલ પ્લાઝાએ 84ના બદલે 1210ની ઉઘરાણી 1 - image


Toll Charges from Ahmedabad to Rajkot: અમદાવાદથી રાજકોટ તરફ જતાં બગોદરાથી બામણબોરના ટોલ પ્લાઝા પર ટ્રક ડ્રાઇવર પાસે રૂ. 84ના ટોલ સામે 1210 રૂપિયા માગવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. પરિણામે ટ્રાન્સપોર્ટર્સ રાજકોટથી વિરોધ નોંધાવવા માટે બામણબોર પહોંચી જતાં ટોલ પ્લાઝા પરના માણસો ભાગી ગયા હતા. મંગળવારે સાંજના ચાર વાગ્યા પછી આ ઘટના બનતાં ટોલ પ્લાઝાના વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો પણ જમા થયા હતા. 

ટોલ ટેક્સ ઉપરાંત વધારાના રૂપિયા માંગતા હોબાળો

બગોદરા વટાવ્યા પછી ટ્રક ડ્રાઇવર પાસેથી ફરીથી 84 રૂપિયાના ટોલ ટેક્સ ઉપરાંત 1126 રૂપિયા વધારાના માંગતા હોબાળો મચી ગયો હતો. બગોદરા અને બામણબોર વચ્ચેના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો માટે સંખ્યાબંધ વાહનો વચ્ચેથી ફંટાઈ જતાં હોવાથી બગોદરા વટાવ્યા પછી બામણબોરમાં નીકળતી વેળાએ પણ ફરીથી 84 રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.

બગોદરા-બામણબોર ટોલ પ્લાઝામાં ટ્રકના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી વન વે ટ્રાવેલ માટે 84 રૂપિયા કપાયા હતા. અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરા-બામણબોર ટોલ પ્લાઝા પર મેસર્સ પ્રીતિ બિલ્ડર્સ નાગપુરના નામની રિસિપ્ટ આપીને ટોલ પ્લાઝા પર ટ્રક દીઠ 1000 રૂપિયા અલગથી માગવામાં આવ્યા હતા. તેના માટે પ્રીતિ બિલ્ડરના નામની 1000 રૂપિયા રિસિપ્ટ પણ આપવામાં આવી હતી. 

આ પણ વાંચો: યુપીના ગામમાં 70 મુસ્લિમ પરિવારોની પાંડે, દુબે, ઠાકુર, પટેલ જેવી અટક! એકતાનું પ્રતીક બન્યું

ત્રણથી છ એક્સેલના વાહનો પાસેથી 1000 રૂપિયા ઉપરાંત 126 રૂપિયાની વધારાની રકમ પણ લેવામાં આવી હતી. સામાન્ય રીતે જઈને પાછા આવનાર પાસે દોઢો ટોલ લેવામાં આવે છે. રૂ. 84  જવાના અને રૂ. 42 મળીને રિટર્ન જર્નીના 126 રૂપિયા લેવામાં આવે છે. આ કિસ્સામાં એક તરફ જનારા વાહનો પાસે રિટર્ન જર્નીના પણ પૈસા માગ્યા હતા. રિટર્ન જર્નીના 126 રૂપિયા વસૂલ્યા હતા. આ ઉપરાંત બીજા 1000 રૂપિયા પણ માગવામાં આવ્યા હતા. ટોલ પ્લાઝા પર મામલો બિચકી રહ્યો હોવાનું જણાતાં રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ ટ્રાન્સપોર્ટર્સને આ મુદ્દે બહુ હોબાળો ન મચાવવા વિનંતી કરી હતી.
 

બામણબોર પર ટોલ ટેક્સ વસૂલ્યા પછી ટ્રક બગોદરા પહોંચી ત્યારે પણ ટોલ પ્લાઝા પર તેની પાસેથી 1210 રૂપિયાની માગણી કરવામાં આવતાં ટ્રક ડ્રાઇવરે તેના માલિકને ફરિયાદ કરી હતી. પરિણામે રાજકોટથી ટ્રાન્સપોર્ટર્સની એક ટીમ મંગળવારે રાતના બામણબોર પહોંચી હતી. તેઓ ટોલ પ્લાઝા પહોંચે ત્યાં સુધીમાં ત્યાં બેઠેલાં તમામ માણસો નાસી ગયા હતા. 

ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે આઉટ સ્ટેશન કોન્ટ્રાક્ટરના માણસો દાદાગીરી કરીને પૈસા વસૂલી રહ્યા છે. બગોદરાથી બામણબોર અને બામણબોરથી બગોદરા આવવા અને જવાના ફેરાના 168 રૂપિયા થાય છે. તેની સામે 1210 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ ટોલ પ્લાઝા પર તથા ગુજરાતના તમામ ધોરી માર્ગો પર પેસેન્જર વ્હિકલ પાસેથી ટોલ ટેક્સ ન વસૂલવાની સૂચના થોડા વર્ષ પહેલા આપવામાં આવેલી છે. જો કે, કોમર્શિયલ વ્હિકલ પાસેથી આ તમામ રસ્તાઓ પર ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.

ટ્રાન્સપોર્ટર્સ ટોલપ્લાઝા પર પહોંચતા માણસો નાસી છૂટયા

ટોલ પ્લાઝા પર રૂ. 84ને બદલે રૂ.1210 વસૂલી રહેલા કોન્ટ્રાક્ટરો સામે વિરોધ નોંધાવવા રાજકોટથી માણસો બામણબોર પહોંચ્યા ત્યારે ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવાનું કામ કરતાં તમામ માણસો ટોલ પ્લાઝા છોડીને નાસી ગયા હતા. બીજું ટોલ પ્લાઝા પર ટ્રાન્સપોર્ટર્સ જમા થઈ ગયા હોવાની જાણ થતાં ગુજરાત સરકારના રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ ટ્રાન્સપોર્ટર્સને ફોન કરીને આ મામલામાં બહુ આગળ ન વધવા વિનંતી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ટોલટેક્સના નામે લૂંટ, બગોદરા-બામણબોર ટોલ પ્લાઝાએ 84ના બદલે 1210ની ઉઘરાણી 2 - image


Google NewsGoogle News