દેશમાં ૯૫ ટકાથી વધુ સીસીટીવી સિસ્ટમ અસુરક્ષિત હોવાનું અનુમાન
સીસીટીવી સિસ્ટમને સુરક્ષિત બનાવવા ગાઇડલાઇન તૈયાર કરાશે
સુરત અને મહારાષ્ટ્રના વસઇના યુવકોએ નવ મહિનામાં ૬૦ હજાર જેટલા સીસીટીવી ફુટેજના વિડીયો ડાઉન લોડ કર્યાનો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદ,રવિવાર
અમદાવાદ સાયબર ક્રાઇમના અધિકારીઓએ સીસીટીવી સિસ્ટમને હેક કરનાર આરોપીઓની પુછપરછ અને તેમની સીસીટીવી નેટવર્કને હેક કરીને ફુટેજ મેળવવાની ટેકનીક અંગે કરેલા અનુમાન દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે સમગ્ર દેશમાં રહેલા સીસીટીવી નેટવર્કમાં ૯૫ ટકાથી વધુ સીસીટીવી સિક્યોરીટી સિસ્ટમ અસુરક્ષિત છે. જેનો લાભ લઇને અનેક ગેંગ આ સીસીટીવી હેક કરવા માટે સક્રિય બની છે. બીજી તરફ પોલીસે ગુજરાતમાં સીસીટીવી કેમેરા ધરાવતા એકમોને તાત્કાલિક અસરથી પાસવર્ડ બદલવાથી માંડીને વધુ સિક્યોર કરવા માટે સુચના આપી છે. પાયલ મેટરનીટી હોસ્પિટલના સીસીટીવી કેમેરાની સિક્યોરીટી સિસ્ટમમાં લુૂપ હોલ્સ હોવાથી પરિત અને રાયન પરેરાએ સીસીટીવી આસાનીથી હેક કરીને મહિલાઓની સારવારની અનેક ક્લીપ ડાઉન લોડ કરીને વેચાણ કરાવી હતી. ત્યારે સાયબર ક્રાઇમના અધિકારીઓએ રાજ્યની તમામ સ્કૂલ, શૈક્ષણિક સંકૂલો, હોસ્પિટલ, કોર્પોરેટ હાઉસ, સરકારી કચેરીઓમાં સીસીટીવી સિસ્ટમમાં પાસવર્ડ બદલવાનથી માંડીને અન્ય સિક્યોરીટી અપડેટ કરવા માટે સુચના આપી છે.
આ ઉપરાંત, સિક્યોરીટી સિસ્ટમને અપગ્રેડ કરવામાં કેટલીક મહત્વની સુચનાઓ જાહેર કરી છે. જેમાં પાસવર્ડને ચોક્કસ સમય બાદ નિયમિત રીતે બદલવાની સાથે સામાન્ય પાસવર્ડને બદલે આંક અને અક્ષરોનો ઉપયોગ કરવા માટે સુચિત કરાયા છે.સીસીટીવી સિસ્ટમને ટુએફએ સપોર્ટથી સક્ષમ કરવા સાથે એક્સેસ કરવા માટે કોડ સેટ અપ કરવાની ટેકનોલોજી પણ અપનાવવા કહેવામાં આવ્યું છે. રિમોટ એક્સેસ, યુનિવર્સલ પ્લગ એન્ડ પ્લે, ટેલનેટને અનએક્ટીવ કરવા માટે પણ ટેકનીકલ એક્સપર્ટ દ્વારા સુચના અપાઇ છે. આ ઉપરાતં, સીસીટીવી નેટવર્ક સાથે જોડાયેલા તમામ સોફ્ટવેરને અપડેટ કરવાની સાથે વાઇફાઇ નેટવર્કનેને પણ સુરક્ષિત કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને સીસીટીવી ફુટેજના ક્લાઉડ સ્ટોરેજને સુરક્ષિત કરવા માટે નિષ્ણાંતની મદદ લઇને સિસ્ટમને સિક્યોર કરવાની સાથે સીસીટીવી ફુટેજ સિસ્ટમનું ટેકનીકલ ઓડિટ કરવા માટે સુચના આપવામા ંઆવી છે.
સીસીટીવી ફુટેજ કેસ મામલે પાંચ પીઆઇ સાથે ૩૫ પોલીસ સ્ટાફની ટીમ બનાવાય
સીસીટીવી ફુટેજ વાયરલ કરવાના કેસમાં એક પછી એક અનેક ખુલાસા થવાના સાથે અન્ય રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક સામે આવતા અમદાવાદ સાયબર ક્રાઇમે ડીસીપી, એસીપી, પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર, છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ૩૫ પોલીસ સ્ટાફની ટીમ બનાવવામા ંઆવી છે. આ ઉપરાંત, ક્રાઇમબ્રાંચના અધિકારીઓની સાથે ૧૦થી વધુ સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે.