ગુજરાતમાં કેટલું ડ્રગ્સ ઘૂસી રહ્યું છે તેની કલ્પના મુશ્કેલ, ચાર વર્ષનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો
Drugs caught in Gujarat: ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે પણ ઠેરઠેર ગેરકાયદેસર રીતે દેશી-વિદેશી દારૂ મળે છે. તેમજ દેશભરમાં ડ્રગ્સનું વેચાણ અને સેવન બંને ગુનાહિત કૃત્ય છે છતાં આ દૈત્ય પણ વિકરાળ બની રહ્યો છે. દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં કુલ 87.90 ટન ડ્રગ્સ જપ્ત થયું છે જેની બજારકિંમત રૂ. 9980 કરોડ જેટલી થવા જાય છે. રાજ્યના ગૃહમંત્રીએ પત્રકાર પરિષદ યોજી યુવાધનને ડ્રગ્સથી બચાવવા માટે રાજ્ય સરકારે કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ડ્રગ્સનું વ્યસન અજગર ભરડો લઈ રહ્યું છે
જપ્ત ડ્રગ્સ સિવાય કેટલું ડ્રગ્સ ગુજરાત અને ગુજરાતના ગેટ-વે થકી ઘુસી ગયું હશે એ અંગની કોઈ માહિતી ઉપલબ્ધ થઈ ન હતી. રાજ્યમાં મોટા અને નાના શહેરામાં ઠેર-ઠેર ડ્રગ્સ મળે છે, વેચાય છે અને તેનું વ્યસન અજગર ભરડો લઈ રહ્યું છે. એટલે સરહદી જાપ્તો, ચુસ્ત બંદોબસ્ત એને કડક નિયંત્રણ વચ્ચે પણ છીંડા શોધી પેડલર તે ઘુસાડવામાં ચોક્કસ સફળતા મેળવી રહ્યા છે તે સ્વીકારવું જ રહ્યું પરંતુ અત્યારે કોઈ એક્શન પ્લાન સરકાર કે પોલીસ પાસે હોય તેમ લાગતું નથી
કિશોરો આ જીવલેણ નશા તરફ વળી રહ્યા છે
બીજું વિદેશથી હવે આધુનિક ટેક્નોલોજી, ડાર્ક વેબ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી પાર્સલથી ડ્રગ્સ ઘુસી રહ્યા હોવાના ચોંકાવનારા કિસ્સા અમદાવાદ, વડોદરા અને સુરતમાં નોંધાય છે. બાતમીના આધારે આ પાર્સલ પકડાય છે પણ કેટલાક ઘુસી જાય છે તે અંગે પણ કોઈ જાણકારી નથી. સૌથી ચિંતાજનક વાત એ છે કે કિશોરો આ જીવલેણ નશા તરફ વળી રહ્યા છે.
ડ્રગ્સના માફિયા નેટવર્કને તોડી પાડવા સંકલન જરૂરી
રાજ્ય સરકાર ડ્રગ્સના માફિયા નેટવર્કને તોડી પાડવાની કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામે આ મામલે લાંબી લડાઈ લડવાની વાત કરી રહી છે પરંતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટેકા વગર વિશ્વની સૌથી મોટો ગેરકાયદેસર ધંધો કરતી આ કાર્ટેલ તોડી પાડવા માટે કેટલી કેન્દ્રીય અને અન્ય રાજ્યોની અને વિદેશની ટીમ સાથે સંકલન જોઈએ. જે એક જટિલ વાત છે. દરિયા કિનારે વહીને આવેલું બિનવારસી ડ્રગ્સ પકડી તેને સફળતા ગણાવવી બહુ સરળ છે.
રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં રૂ. 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે
ગુજરાત એ ડ્રગ્સનો કારોબારનું કેન્દ્ર બન્યું હોવાના વિપક્ષી દાવાને ફગાવતાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની તમામ પોલીસ અને એજન્સીઓ પડકારજનક પરિસ્થિતિમાં પણ ખડેપગે રહીને બાતમીના આધારે ડ્રગ્સ પકડી રહી છે. રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે જે પોલીસની કામગીરી બતાવે છે.
અધિકારીઓ દરિયામાં 15 થી 20 દિવસ રોકાઈને ડ્રગ્સના કન્સાઈનમેન્ટ પકડે છે
ડ્રગ્સની દાણચોરી અને ઘૂસણખોરી રોકવા માટે રાજ્યના સંવેદનશીલ દરિયાકિનારે સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. કેન્દ્રીય એજન્સીઓની સાથે ગુજરાત પોલીસની વિવિધ ટૂકડીઓ ડ્રગ્સના કારોબારને ખતમ કરવા તેમજ ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે કામે લાગી છે. અધિકારીઓ દરિયામાં 15 થી 20 દિવસ રોકાઈને પણ ડ્રગ્સના કન્સાઈનમેન્ટ પકડે છે. સામાન્ય રીતે ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારમાંથી ડ્રગ્સ ઘૂસે છે પરંતુ તેવી વર્તણૂક પર નજર રાખવા કેન્દ્રીય એજન્સીઓ સાથે ગુજરાત પોલીસ પણ જોડાયેલી હોય છે.
પોલીસે રાજ્યમાં ડ્રગ્સ વિરોધી કેમ્પેઈન શરૂ કર્યું
માત્ર ઘૂસણખોરી જ નહીં, ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પ્રવેશી ચૂકેલા ડ્રગ્સને પકડવા માટે પણ સ્થાનિય લેવલે અભિયાન ચાલી રહ્યાં છે અને પોલીસને સફળતા મળે છે. રાજ્ય સરકારે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરૂ કરી છે તેમાં યોગદાન આપનાર આપનાર પોલીસ જવાનોને રિવોર્ડ આપવામાં આવતા પરિણામ મળ્યું છે. પોલીસે રાજ્યમાં ડ્રગ્સ વિરોધી કેમ્પેઈન પણ શરૂ કર્યું છે.
ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશના સારા પરિણામો મળ્યા
એન્ટી ડ્રગ્સ કેમ્પેઈન અંગેના એક કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશના સારા પરિણામો મળ્યા છે. અમારી લડાઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા નેટવર્ક સામે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા ડ્રગ્સને રોકવા માટે દરિયાકિનારાના વિસ્તારોમાં પગલાં લેવાઈ રહ્યાં છે.
ગુજરાતમાં ઘૂસેલું ડ્રગ્સ શહેરો અને જિલ્લામાં પણ મોટી માત્રામાં પકડાઈ રહ્યું છે. ચાલુ વર્ષ 2024 ના એપ્રિલ, મે અને જૂન એમ કુલ ત્રણ મહિનામાં જ અમદાવાદ અને સુરતમાં 53 આરોપી પકડાયા છે. તેમજ સાત કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આંકડા પ્રમાણે રાજ્યમાં 2023ના એક વર્ષમાં વિવિધ પ્રકારના નશીલા પદાર્થો પૈકી ગાંજાના 18 કેસ થયાં છે, જેમાં 33.68 લાખનો 336.29 કિલો જથ્થો પકડાયો છે. ચરસના છ કેસોમાં 15.52 કરોડનો 1.56 કિલો જથ્થો, ઓપિયમના એક કેસમાં પાંચ લાખનો 1.14 કિલો જથ્થો અને રો-મટીરીયલના એક કેસમાં 10.90 લાખનો 10.9 કિલો જથ્થો જપ્ત કવામાં આવ્યો છે. જયારે 2024 માં ગૃહ વિભાગે વિવિધ જગ્યાએ 25 કેસ કરીને 2.49 કરોડનો 57.50 કરોડનો જથ્થો પકડ્યો છે.