ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર-કર્મચારીની 60 ટકાથી વધુ જગ્યાઓ હજુ ખાલી, નેક દ્વારા જાહેર કરાયો રિપોર્ટ
Gujarat University : ગુજરાત યુનિવર્સિટીને નેકના ઇન્સપેક્શન બાદ તાજેતરમાં એ પ્લસ ગ્રેડ સાથે માન્યતા આપી દેવાઈ છે પરંતુ નેક દ્વારા જાહેર કરાયેલા તપાસ રિપોર્ટમાં યુનિવર્સિટીની અનેક ખામીઓ-વિશેષતાઓ ઘ્યાને આવી છે.જેમાં ખાસ કરીને યુનિવર્સિટીમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની 60 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. જો કે યુનિવર્સિટીનું વિશાળ લેવિશ-સારું કેમ્પસ તેમજ ડિજિટલ લાયબ્રેરી સહિતની ફેસિલિટીને નેક ટીમે તપાસમાં સારા પાસાઓમાં ગણાવ્યા છે.
કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્સ સહિતની સુવિધાઓ વણવપરાયેલી
ગુજરાત યુનિવર્સિટીમાં હાલ અઘ્યાપકો-ટીચિંગ પોસ્ટની મંજૂર થયેલી 210 જગ્યાઓમાંથી 107 જગ્યા જ ભરાયેલી છે અને 103 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ-નોન ટીચિંગ સ્ટાફની 592 મંજૂર જગ્યાઓમાંથી 182 જગ્યાઓ જ ભરાયેલી છે અને 412 જગ્યાઓ ખાલી પડી છે. આમ કુલ 804 જગ્યાઓમાંથી 289 એટલે કે માંડ 35 ટકા જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને 515 જગ્યાઓ ખાલી છે.
આમ યુનિવર્સિટીમાં ટીચિંગ-નોન ટીચિંગની 65 ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી છે જે યુનિવર્સિટીને નેકમાં હાઇએસ્ટ ગ્રેડિંગ મેળવવામાં મોટી ખામી બની છે. આ ઉપરાંત નેકની ટીમે તપાસ રિપોર્ટમાં જણાવેલી ખામીઓમાં કેમ્પસમાં સ્ટુડન્ટ ટ્રાન્સપોર્ટેશન નથી તેમજ સ્પોર્ટસ ફેસિલિટી વણવપરાયેલી છે અને નાણાકીય અનિશ્ચિતતાથી માંડી લેબોરેટરીનું અપગ્રેડેશન ન હોવા સહિતની કેટલીક ખામીઓ છે. જ્યારે નેક ટીમે ડિજિટલ લાયબ્રેરી, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચર, લેવિશ એન્ડ ગ્રીન કેમ્પસ, ક્વોલિફાઇડ-અનુભવી ટીચિંગ સ્ટાફ તથા સેક-ઇસરોથી માંડી ડીઆરડીઓ સાથેનું જોડાણ સહિતની કેટલીક વિશેષતાઓ તપાસ રિપોર્ટમાં દર્શાવી છે.
નેક ટીમના તપાસ રિપોર્ટની ખામીઓ બાબતે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે હાલ સ્ટેચ્યુટમાં નિયમોની અસ્પષ્ટતાને લઈને ભરતી થઈ શકી નથી. પરંતુ સ્ટાફ ન હોવાથી યુનિવર્સિટી દ્વારા બે વર્ષના ડેપ્યુટેશન પર ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ નિમણૂંક કરાશે. ઉપરાંત સરકારના જેડા સાથે મળીને સોલાર પેનલ સહિતના રીન્યુએબલ એનર્જી સોર્સીસ ઊભા કરાશે તથા કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે ઈ-સાયકલ - ઈબાઇક્સ સહિતની ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ઊભી કરાશે તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સંપૂર્ણ રીતે કાર્યાન્વિત કરવા-વપરાશ માટે સરકારની મદદ લેવાશે.
જ્યારે વર્ષમાં બે વાર યુજી-પીજી પ્રવેશ બાબતે કુલપતિએ જણાવ્યું કે 48 કૉલેજોએ રસ દાખવ્યો છે અને એક સપ્તાહમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા યુનિવર્સિટીના જ કૉમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની મદદથી શરુ કરાશે. અંદાજે 6 હજાર ખાલી બેઠકોમાં બીજા સત્રમાં નવા પ્રવેશ આપવાની પ્રક્રિયા હાધ ધરાશે. જ્યારે નેક ટીમ દ્વારા ઇન્ટરનેશનલ એક્રેડિટેશન અને વર્લ્ડ રેન્કિંગ મેળવવાથી માંડી ઇન્ટરનેશનલ કેમ્પસ સહિતની તકો દર્શાવી હતી.
યુનિવર્સિટીની ખામીઓ
- ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની ભારે અછત
- ગ્રાન્ટને લીધે નાણાકીય અનિશ્ચિતતા
- લેબોરેટરીઓનું સતત અપગ્રેડેશન કરવામાં આવતું નથી
- શૈક્ષણિક અને વહિવટી પ્રક્રિયામાં અપૂરતું દસ્તાવેજીકરણ
- સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર-બિલ્ડિંગનો પૂરતો વપરાશ નથી અને જાળવણી નથી
- નવી શિક્ષણ નીતિ મુજબ પીજી પ્રોગ્રામ્સના સીલેબસ અપડેટ કરાયા નથી
યુનિવર્સિટી માટે આ પડકારો
- કાયમી સ્ટાફની ભરતી કરવી
- દેશભરમાંથી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં લાવવા
- નોન પ્રોફેશનલ પ્રોગ્રામ્સમાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ
- આઇસીટીનો વ્યાપ વધારવો
- કેમ્પસમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના મેઇન્ટેનન્સ માટે નિયમિત ફંડની ખાત્રી