પાંચ મહિનામાં જ ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર ૫૩ હજાર કોલ આવ્યા
રાજ્યમાં ઓનલાઇન સાયબર ફ્રોડમાં ચિંતાજનક વધારો
ગઠિયાઓએ ૧૦૦ કરોડથી વધારે રકમની છેતરપિંડી કરીઃ કોઇપણ લોભામણી જાહેરાતનો વિશ્વાસ ન કરવા પોલીસની અપીલ
અમદાવાદ,
શુક્રવાર
ઓનલાઇન ગુગલ રીવ્યુ , શેર બજારમાં વળતર અને પાર્સલમાં ડ્રગ્સના નામે છેતરપિંડી કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં માત્ર ગુજરાતમાં જ છેલ્લાં પાંચ મહિના દરમિયાન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ૫૩ હજાર જેટલી ફરિયાદ આવી હોવાનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોની સાથે નાના શહેરોમાં પણ લોકોને ટારગેટ કરવામાં આવી રહ્યા છે. આ ર્ંસદર્ભમાં પોલીસે સમગ્ર રાજ્યમાં એક જાગૃતિ કેળવવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં હવે શરીર સંબધિત કે અન્ય પ્રકારના ગુનાઓના પ્રમાણમાં સાયબર ક્રાઇમમાં અનેકગણો વધારો થયો છે. જેમાં ચોંકાવનારા આંક બહાર આવ્યા છે. સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન ૧૯૩૦ પર માત્ર પાંચ મહિનાના સમયગાળામાં જ ૫૩ હજાર જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાં એક અંદાજ મુજબ ૧૦૦ કરોડથી વધારે રકમ લોકોએ છેતરપિંડીનો ભોગ બનીને ગુમાવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે ઓનલાઇન છેતરપિંડીની કેટલીક ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી સૌથી વધારે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. જેમાં ચાઇનીઝ ગેંગની સંડોવણી પણ ખુલી છે. પ્રથમ મોડ્સ ઓપરેન્ડીમાં વિવિધ જગ્યાના ગુગલ રિવ્યુ કરવાની સામે બેંકમાં નાણાં જમા કરાવવામાં આવે છે. જે બાદ પ્રિપેઇડ ટાસ્કના નામે રૂપિયા લઇને અનેક ગણો નફો ઓનલાઇન બતાવવામાં આવે છે. જે મેળવવાની લાલચમાં લોકો નાણાં ગુમાવે છે. અન્ય મોડ્સ ઓપરેન્ડીમાં ફેસબુક પર શેરબજારના ટ્રેડીંગના પર ટીપ્સ અપાવવાનું કહીને વિશ્વાસ કેળવીને રોકાણ પર તગડો નફો બતાવીને નાણાં મેળવવા માટે ટેક્સ કે પ્રોસેસીંગ ફીના નામે છેતરપિંડી કરવામાં આવે છે. આ બંને છેતરપિંડીમાં લાલચને કારણે લોકો આસાનીથી ટારગેટ બને છે. જ્યારે ત્રીજી મોડસ ઓપરેન્ડીમાં પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ હોવાનું કહીને એનસીબી કે મુંબઇ ક્રાઇમબ્રાંચમાં કેસ કરવાનું કહીને સેટલમેન્ટના નામે કે એસેસ્ટ વેરિફીકેશનના નામે લોકો ડરીને કરોડો રૂપિયા ગુમાવે છે આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને કિશાન સહાય યોજનાના નામે કોલ કરીને ઓનલાઇન લીંક મોકલીને બેંકના એકાઉન્ટ ખાલી કરવામાં આવ્યાના કિસ્સા સામે આવ્યા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા છેતરપિંડીના કિસ્સા સામે લડવા માટે લોકોમાં જાગૃતતા આવે તે જરૂરી છે. જેથી સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તેમના જિલ્લા અને શહેરોમાં વિશેષ ડઇવ ચલાવવામાં આવશે.
ઓનલાઇન ફ્રોડ થાય તો તુરંત ૧૯૩૦ પર કોલ કરો
ઓનલાઇન ફ્રોડનો શિકાર બનતા વ્યક્તિઓને ઓછામૉ ઓછુ નુકશાન ુપહોંચે
તે માટે ૧૯૩૦ હેલ્પલાઇન ખાસ શરૂ કરવામાં આવી છે. જેથી કોઇ વ્યક્તિ જ્યારે ઓનલાઇન ફ્રોડનો
શિકાર બને ત્યારે એકપણ ક્ષણ ગુમાવ્યા વિના તાત્કાલિક ૧૯૩૦ પર કોલ કરવો. જેથી સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ છેતરપિંડીના નાણાંનો
ગેટ વે ટ્રેક કરીને નાણાંને ફ્રીઝ કરી શકાય. ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર કોલ કરવામાં આવતા
લોકોના કરોડો રૂપિયા બહાર જતા પણ અટક્યા છે.