બોટાદના સાલૈયામાં 40થી વધુ ગૌવંશના મૃત્યુ, ગૌશાળાના ટ્રસ્ટીની ધરપકડ
Representative image |
Died of cows in Botad: બોટાદ તાલુકાના સાલૈયા ગામે રાધિકાશ્રી પાંજરાપોળ ગૌશાળામાં નિભાવ માટે સરકાર ગ્રાન્ટ આપતી હોવા છતાં ટ્રસ્ટીના પશુપાપના કારણે થોડા દિવસ પૂર્વે એકસાથે 40થી 45 જેટલા ગૌવંશ ભૂખ-તરસ અને ઠંડીના કારણે તડફડિયા મારીને મોતને ભેટ્યાં હતા. પશુઓના મોતનો મામલો પ્રકાશમાં આવતા જીવદયાપ્રેમી, સરકારી અધિકારીઓ તાબડતોડ સાલૈયા ગામે દોડી ગયા હતા અને ગૌશાળામાં રહેલ 450 જેટલા પશુઓને અન્ય પાંજરાપોળમાં શિફ્ટ કરી દીધા હતા. આ મામલે ગુનો દાખલ થતાં પોલીસે ટ્રસ્ટીની ધરપકડ કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, બોટાદ તાલુકાના સાલૈયા ગામે ભૂતડાદાદા ડુંગપર નજીક આશરે 20 વીઘા જેટલી જમીનમાં આવેલી રાધિકાશ્રી પાંજરાપોળ ગૌશાળામાં 29મી ઓગસ્ટે 40થી 45 જેટલી ગાય, નાના વાછરડા-વાછરડીના મોત થયાની ઘટનાની જાણ થતાં બોટાદ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ટ્રસ્ટના હોદ્દેદારો, જીવદયાપ્રેમી, પશુ પાલન વિભાગના અધિકારીઓ, મામલતદાર, પોલીસ સહિતનાઓ દોડી ગયા હતા.
આ ઘટનાની ગંભીરતાને લઈ વેટરનરી ડોક્ટરની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃત્યુ પામેલા પશુઓનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. પી.એમ. રીપોર્ટમાં પશુઓના મોતનું પ્રાથમિક તારણ ભૂખ-તરસ અને ઠંડીના કારણે થયાનું બહાર આવ્યું હતું. જેના આધારે બોટાદ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શૈલેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલાએ રાધિકાશ્રી પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટી મીથીલાનંદબાપુ સામે સ્થાનિક બોટાદ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, 'રાધિકાશ્રી ગૌશાળાને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોવા છતાં પશુઓને ઘાસચારો અને પાણી ન આપી બંધ વાડામાં ક્રુરતાપૂર્વક બાંધી રાખતા ભૂખ-તરસર અને ઠંડીના કારણે ગૌવંશના મૃત્યુ થયા હતા.' આ ફરિયાદના આધારે બોટાદ પોલીસે મીથીલાનંદબાપુની ધરપકડ કરી હતી.
સાલૈયા ગામે રાધિકાશ્રી પાંજરાપોળ-ગૌશાળામાં પશુઓના મૃત્યુની ઘટના બાદ મામલતદાર સહિતના અધિકારીઓએ ગૌશાળામાં રહેલી 450 જેટલા પશુઓને આસપાસના પાંચથી છ પાંજરાપોળ- ગૌશાળામાં શિફ્ટ કરી દીધા હતા.