Get The App

અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય 1 - image


Commercial Activity in Residential society : અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારની જ્ઞાનદા સોસાયટીમાં એ.સી માટે વપરાતા ગેસના સિલેન્ડર થકી લાગેલી આગની ઘટના સર્જાઇ હતી. જ્ઞાનદા સોસાયટીના સોસાયટીના ચેરમેને વારંવાર કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવા માટે વારંવાર કોર્પેરેશનને જાણ કરી હતી. છતાં કોઈ પ્રતિભાવ ન મળતા તે જ પરિવારના નિર્દોષ સદસ્યોના જીવ ગયા, જ્યારે 8 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3500થી વધુ સોસાયટીઓ એવી છે જે મુક્ત રીતે રહેણાંક વિસ્તારમાં ધંધાકીય પ્રવૃત્તિ કરવા આપે છે.

રહેણાંક માટે બનાવવામાં આવેલી સોસાયટીમાં અન્ય પ્રવૃત્તિ કરી શકાય નહીં

હાઉસિંગ સોસાયટીના નિયમ પ્રમાણે કોઈપણ રહેણાંક માટે બનાવવામાં આવેલી સોસાયટીને અન્ય પ્રવૃત્તિમાં ભાડે આપી શકાય નહીં. જે સોસાયટી એક્ટ વિરુદ્ધની વાત છે. છતાં અમદાવાદમાં3500થી વધુ  સોસાયટીઓએ ખુલ્લે આમ શહેરની જાણીતી સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિઓ માટે જાહેરાતો કરી છે અને તંત્ર આ બાબતે સાવ નિષ્ક્રિય છે. નવાઈની વાત એ છે કે આના માટે સોસાયટીને કોઈ પાવર આપવામાં આવ્યા નથી હોતા જેના કારણે ગુમાસ્તાધારા હેઠળ ટેક્સ ભરીને કોઈપણ ભાડુ ચુકવનાર કે ઘરમાલિક મનમાની કરીને કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ કરીને સોસાયટીની સિસ્ટમ તોડી શકે છે. 

આ પણ વાંચો: મનપાના અધિકારીઓની બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાશે

આ અંગે વાત કરતાં કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કોર્પોરેશનની વેબસાઈટ પર આવી ધંધાકીય પ્રવૃત્તિ વિરુદ્ધ ફરીયાદ કરી શકાય છે.  કેટલીક આધારભૂત માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે અમદાવાદમાં નવરંગપુરા, નારણપુરા અને પાલડીવિસ્તારની 300થી વધુ  રહેણાંક વિસ્તારની સોસાયટીઓમાં બંગલાઓમાં હોસ્પિટલ, ગોડાઉન, પરમિશન આધારિત મેડિકલ ઉપકરણ ધરાવતા વ્યવસાયો ચાલે છે.   

પાલડી વિસ્તારની સમસ્ત બ્રહ્મક્ષત્રિય સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે, ‘અમારી સોસાયટી આખી ધંધાકીય પ્રવૃત્તિઓનો જ અખાડો થઈ ગઈ છે. અમારી જેમ પાલડી વિસ્તારમાં કોમત્ત્શયલ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. જૂની સોસાયટીઓ પોતાની રહેણાંકની પરંપરા ગુમાવી રહી છે. અગાઉ અનેકવાર સોસાયટીમાં ટ્રાસ્પોર્ટ અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ વિશે કોર્પોરેશનને જાણ કરી છે છતાં પણ ધંધાકીય પ્રવૃત્તિઓ માટે હજુ આપણે ત્યાં સંવેદનશીલતા નથી.  


Tags :