ગુજરાતની વિરાસતનું આકર્ષણ: એક વર્ષમાં 21 લાખથી વધુ પ્રવાસીઓએ ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
World Heritage Week 2024, Gujarat : દેશભરમાં વર્લ્ડ હેરિટેજ વીક 2024ની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં આવેલા વિવિધ હેરિટેજ સ્થળોને આકર્ષક અને સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે 428 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસના કાર્યો શરૂ કર્યાં છે. જે હેઠળ ઐતિહાસિક સ્થળો વડનગર અને ધોળાવીરાને સૌથી વધુ 255 કરોડ રૂપિયાના ખર્ચે વિકસતિ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસન વિભાગના જણાવ્યાં અનુસાર, વર્ષ 2023-24માં લગભગ 21 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના મુખ્ય હેરિટેજ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે.
વર્લ્ડ હેરિટેજ વીક 2024ની ઉજવણી
સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ કરવાના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવા માટે UNESCO દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરે છે, ત્યારે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સહયોગથી દેશભરમાં ઐતિહાસિક વિરાસત સ્થળો પર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આ વર્ષે વર્લ્ડ હેરિટેજ વીક 2024ની થીમ વિવિધતાની શોધ અને અનુભવ રાખવામાં આવી છે. આ ઉપરાંત, આ વિરાસત સ્થળો ખાતે ગુજરાત સરકાર નાઈટ ટુરિઝમના કોન્સેપ્ટ હેઠળ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ જેવી આકર્ષક પ્રવૃત્તિઓ પણ સંચાલિત કરી રહી છે, જે દેશ-વિદેશના પ્રવાસીઓમાં પણ ઘણી લોકપ્રિય બની રહી છે.
વડનગર |
વર્ષ 2023-24માં સાત લાખથી વધુ પ્રવાસીઓએ વડનગરની લીધી મુલાકાત
ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ ગુજરાતમાં ઘણા ઐતિહાસિક વિરાસત સ્થળો આવેલા છે, જે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યા છે, ત્યારે ગુજરાત સરકારે ઐતિહાસિક વિરાસત સ્થળ વડનગર ખાતે છેલ્લા ત્રણ વર્ષોમાં 70 કરોડ રૂપિયા ખર્ચ કરીને ઘણી માળખાકીય અને આધુનિક પ્રવાસી સુવિધાઓ વિકસિત કરી છે. અહીંયા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022-23માં 2.45 લાખ પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2023-24માં સાત લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા.
ધોળાવીરા |
હેરિટેજ સ્થળ ધોળાવીરાને 185 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરાશે
વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા સિંધુ ખીણ સંસ્કૃતિની ઓળખ ધરાવે છે. ધોળાવીરામાં વિવિધ પ્રવાસન સુવિધા વિકસાવવા માટે રાજ્ય સરકારે 185 કરોડ રૂપિયાના ખર્ચે કરશે. જેમાં ફેઝ એક હેઠળ હાલ 76 કરોડના વિકાસકાર્યોનું કામ પ્રગતિમાં છે. વર્ષ 2022-23માં 1.41 લાખ પ્રવાસીઓએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2023-24માં પ્રવાસીઓની સંખ્યા વધીને 2.32 લાખથી વધુ નોંધાઈ છે.
આ પણ વાંચો : પાટણની 'રાણીની વાવ': બે વર્ષમાં દેશ-વિદેશના પાંચ લાખથી વધુ પ્રવાસીએ લીધી મુલાકાત
ગુજરાતના અન્ય હેરિટેજ સ્થળોએ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા
રાજ્યના અન્ય કેટલાક વિરાસત સ્થળો, જેવાંકે મોઢેરાનું સૂર્યમંદિર, રાણીની વાવ અને અડાલજની વાવ પણ લાખો પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યા છે. રાજ્ય સરકારે મોઢેરાના સૂર્યમંદિરમાં 20 કરોડ, રાણીની વાવમાં 18 કરોડ અને અડાલજની વાવમાં 5 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસી સુવિધીઓ વિકસિત કરી છે. વર્ષ 2022-23માં મોઢેરાના સૂર્યમંદિર ખાતે 3.78 લાખ, રાણીની વાવ ખાતે 3.52 લાખ, અડાલજની વાવ ખાતે 3.72 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે 2023-24માં આ સંખ્યા વધીને મોઢેરાના સૂર્યમંદિર ખાતે 3.81 લાખ, રાણીની વાવ ખાતે 3.83 લાખ અને અડાલજની વાવ ખાતે 3.86 લાખ જેટલાં પ્રવાસીઓએ મુલાકાત લીધી.
આ પણ વાંચો : ગુજરાતની એક સમયની રાજધાનીના વારસાએ વિશ્વભરમાં વગાડ્યો ડંકો, તમે મુલાકાત લીધી કે નહીં?
ભારતનું બેસ્ટ ટુરિઝમ હેરિટેજ વિલેજ હાંફેશ્વર
ભારત સરકાર દ્વારા વર્ષ 2024માં વિશ્વ પ્રવાસી દિવસના રોજ ગુજરાતના હાફેશ્વર ગામને હેરિટેજની કેટેગરી હેઠળ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું. અહીં આવનારા પ્રવાસીઓના અનુભવોને હંમેશ માટે યાદગાર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર 10 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવા જઈ રહી છે.