પોલીસે ૨૦૦ જેટલી સોસાયટીની બે કરોડથી વધારાની સબસીડી નથી ચુકવી
અમદાવાદમાં ત્રિનેત્ર પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી નેટવર્ક વધારવાના દાવા વચ્ચે સબસીડીના ગોટાળા
સીસીટીવીની સબસીડીની ફાઇલ એસીપી ડીવીઝન અને ડીસીપીની ઓફિસના સ્ટાફ અંગત ફાયદા માટે અટકાવતા હોવાનો આક્ષેપઃ ગૃહ વિભાગમાંથી પુરતુ ફંડ ન મળતુ હોવાનો દાવો
અમદાવાદ,બુધવાર
અમદાવાદમાં ગુનાઓને અટકાવવા અને ભેદ ઉકેલવા માટે સીસીટીવી પોલીસ માટે સૌથી મહત્વના સાબિત થઇ રહ્યા છે. જેથી ત્રિનેત્ર પ્રોજેક્ટ અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં ૫૦ ટકા સબસીડી સાથે સીસીટીવી ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં ૫૦ ટકા ખર્ચ સોસાયટી અને ૫૦ ટકા ખર્ચ ગૃહ વિભાગ ભોગવે છે. પરંતુ, અમદાવાદમાં ચાર મહિનાથી ૨૦૦ જેટલી સોસાયટીની બે કરોડથી વધારાની સબસીડી આપવાની કામગીરી અટકી છે. જેમાં મોટાભાગના કિસ્સામાં સોસાયટીની સબસીડીની ફાઇલ એસીપી ડીવીઝન અને ડીસીપી ઓફિસમાં અટકી જતી હોવાનો આક્ષેપ સોસાયટીના સેક્રેટરીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ ગૃહ વિભાગમાંથી નિયમિત રીતે ફંડ પણ આવતુ ન હોવા સામે આવ્યું છે. અમદાવાદમાં શહેરમાં સીસીટીવી નેટવર્ક વધુ મજબુત બને તે માટે જાહેર સ્થળો ઉપરાંત, ખાનગી સોસાયટીઓ સીસીટીવી લગાવવા માટે ત્રિનેત્ર પ્રોજેક્ટ હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ૫૦ ટકા સબસીડીની સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સીસીટીવીના કુલ ખર્ચમાં ૫૦ ટકા હિસ્સો સોસાયટીના ફંડમાંથી અને ૫૦ ટકા ફંડ પોલીસ દ્વારા ચુકવવામાં આવે છે. અમદાવાદમાં આ પ્રોજેક્ટ હેઠળ મોટાભાગની સોસાયટીનો સમાવેશ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
પરંતુ, સીસીટીવી પ્રોજેક્ટમાં છેલ્લાં ચાર મહિનાથી સબસીડી ચુકવવાની કામગીરીને મંથર ગતિએ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદના ૨૦૦ જેટલી સોસાયટીઓમાં સીસીટીવી ઇન્સ્ટોલ થયા બાદ સબસીડી માટે ફાઇલ પોલીસમાં મુકવામાં આવી છે. પરંતુ, હજુ સુધી આ સબસીડી મળી શકી નથી. એક અંદાજ મુજબ સબસીડીની આ રકમનો આંક બે કરોડથી વધારાનો છે. જેમાં મોટાભાગની ફાઇલ એસીપી ડીવીઝનની અને ડીસીપીની કચેરીના કર્મચારીઓ દ્વારા અંગત ફાયદા માટે અલગ અલગ કારણ આપીને અંગત ફાયદા માટે અટકાવી દેવામાં આવે છે. જેમાં સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને બોલાવીને કુલ બિલના કેટલાંક ટકા નાણાંની માંગણી કરીને ફાઇલને આગળ વધારવામાં આવે છે. આમ, સરકારના સીસીટીવી પ્રોજેક્ટમાં પણ ભ્રષ્ટ્રાચાર થતો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
સીસીટીવી પ્રોજેક્ટ પૂર્ણ કરીને તેની સબસીડી પાસ કરાવવાની ખાસ પ્રક્રિયા છે. જેમાં ફાઇલ પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે
છે. જ્યાંથી પોલીસ ઇન્સપેક્ટરની સહી બાદ એસીપીની ડીવીઝન ઓફિસમાં પહોંચતી કરવામાં આવે
છે. ત્યાંથી ડીસીપીની ઓફિસમાં અને ત્યારબાદ પોલીસ કમિશનર કચેરીના એ-૨ વિભાગમાં પહોંચે
છે અને ગૃહવિભાગમાંથી ગ્રાંટ મંગાવીને સબસીડીની ચુકવણી કરવામાં આવે છે. પરંતુ,
અમદાવાદમાં એસીપી અને ડીસીપીની ઓફિસમાં ફાઇલ મોટાભાગે આર્થિક વ્યવહાર બાદ જ આગળ
વધે છે.
અમદાવાદમાં ૨૦ ટકા જેટલા કેમેરા ચાલુ સ્થિતિમાં
અમદાવાદમાં જાહેર સ્થળો પર સર્વલન્સની કામગીરી માટે સીસીટીવી
લગાવવામાં આવ્યા છે. જેમાં કુલ કેમેરા પૈકી માત્ર ૨૦ ટકા સીસીટીવી કેમેરા જ ચાલુ સ્થિતિમાં છે. જેના કારણે પોલીસને ગુના ઉકેલવાની
કામગીરીથી માંડી સર્વલન્સની કામગીરીમાં અડચણ આવી રહી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા
મુજબ આ સીસીટીવી અમદાવાદમાં ૧૦ વર્ષ પહેલા લગાવવામાં આવ્યા છે. પરંતુ,મોટાભાગના સીસીટીવી
કેમેરામાં નિયમિત રીતે જાળવણી કરવામાં આવી નથી. જેના કારણે બંધ હાલતમાં છે. જેને રિપેર
કરવા માટે પણ મોેટાપાયે કામગીરી કરવાની જરૂર છે. ગૃહવિભાગમાં આ અંગે સત્તાવાર રીતે પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે.