અમદાવાદ સહિત 25 સ્થળો પર CGSTના દરોડા, રૂ. 200 કરોડની કરચોરી ઝડપાઈ, આંકડો વધવાની શક્યતા
DGGI Search Operation In Gujarat: ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, જામનગર, રાજકોટ, આણંદ, વડોદરા સહિત રાજ્યના 25 સ્થળોએ મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં અત્યારસુધી આશરે રૂ. 200 કરોડની કરચોરી ઝડપાઈ છે. આ કૌભાંડનો આંકડો વધવાની વકી છે.
અમદાવાદમાં સ્ક્રેપ ડીલર્સને ત્યાં દરોડા
અમદાવાદમાં વિવિધ સ્ક્રેપ ડીલર્સના ત્યાં દરોડા પાડ્યા હતાં. જેમાં ઓઢવમાં એક કંપનીના માલિકે પોતાના અને પત્નીના નામે ચાલતી કંપનીઓમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જામનગર અને રાજકોટમાં પણ તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. ડીજીજીઆઈએ બોગસ પર્ચેસ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.
રાજકોટમાં ભાજપના પૂર્વ એમએલએના ભાઈ પર સંકજો
રાજકોટમાં ડીજીજીઆઈ અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની આશાપુરા એન્ટરપ્રાઈઝ પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં બેઝ ઓઈલની આયાત સંબંધિત મોટાપાયે કરચોરી કરી હોવાનો આરોપ છે. હાલ તપાસ ચાલી રહી છે. જામનગર અને રાજકોટમાં બેઝ ઓઈલના વેપારીઓ, વિતરકોના ગોદામો અને ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા. ત્રણ દિવસ પહેલાં આણંદ શહેરના કાપડના વેપારીઓ સહિત 10 સ્થળોએ ગુરૂવારે મોડી સાંજે સ્ટેટ જીએસટી અને વડોદરા જીએસટી વિભાગની ટીમે દરોડા પાડયા હતા. જીએસટી અધિકારીઓ દ્વારા બંધ બારણે બિલો, બેન્ક ખાતા, કમ્પ્યુટરના ડેટા સહિતના તપાસ હાથ ધરવામાં આવતા કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી હતી. દરોડાની જાણ થતાં જ કેટલાક વેપારીઓ દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતાં.
ગુજરાતમાં સ્ક્રેપ ડીલર્સ અને બેઝ ઓઈલ વેપારીઓને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ ચાલુ હોવાથી આ કરચોરીના કૌભાંડનો આંકડો રૂ. 200 કરોડથી વધશે.