Get The App

અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં 1 - image


More than 1 lakh cases of cancer : અમદાવાદની અસારવા સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 2021થી 2024 એમ ચાર વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ દર્દી નોંધાઇ ચૂક્યા છે. જેમાં વર્ષ 2024માં સૌથી વધુ 25956 કેસ નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના જે કેસ નોંધાયા છે તેમાં 59059 પુરુષ અને 41059 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. વર્ષ 2021 કરતાં વર્ષ 2024માં કેન્સરના નોંધાયેલા દર્દીઓમાં 10 ટકા જેટલો વધારો થયો છે. 

કેન્સરના કેસોમાં 10 ટકાનો વધારો

છેલ્લા ચાર વર્ષમાં પુરુષોમાં મોંઢાના જ્યારે મહિલાઓમાં સ્તન કેન્સરના વધારે કેસ નોંધાયા છે. વર્ષ 2024માં સપ્ટેમ્બર સુધી 1457 સહિત ચાર વર્ષમાં 6889 કેસ પુરુષોમાં મોંઢાના કેન્સરના હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ 2023માં સૌથી વધુ 1880 અને વર્ષ 2022માં 1826 કેસનો સમાવેશ થાય છે. ડોક્ટરોના મતે, પુરુષોમાં તમાકુના સેવનની લતને કારણે મોંઢાના કેન્સરના કેસ વધારે નોંધાય છે. બીજી તરફ મહિલાઓમાં છેલ્લા ચાર વર્ષમાં સ્તન કેન્સરના 5328 જેટલા કેસ નોંધાયા છે. જેમાં સપ્ટેમ્બર 2024 સુધી 1133 કેસનો સમાવેશ થાય છે. 

ડોક્ટરોના મતે  હવે મહિલાઓમાં પણ મોંઢાના કેન્સરના કેસ વધી રહ્યા છે. આજથી થોડા વર્ષ અગાઉ મોંઢાના કેન્સરના 10 કેસ આવતા તેમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 1 હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ પ્રમાણ વધીને 10માંથી ચારનું થયું છે.

દેખાદેખીને કારણે મહિલાઓમાં પણ સિગારેટ, તમાકુનું સેવન કરવાનું વઘ્યું હોવાથી તેમનામાં મોઢાના કેન્સરના કેસના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. અગાઉ 50થી વધુ વયની વ્યક્તિમાં મોંઢાના કેન્સરના કેસ વધુ જોવા મળતાં. હવે 18થી 40ના વયજૂથમાં પણ આ પ્રમાણ ચિંતાજનક વઘ્યું છે. 

આ ઉપરાંત અનેક લોકો મોંઢામાં નાનકડી ચાંદી પડી હોય તો કાથો-હળદરનો ઉપયોગ કરે છે. હકીકતમાં તેમણે નાની ચાંદી હોય તો પણ તકેદારી માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, ‘  કેન્સરને હરાવવા માટે પ્રથમ બે સ્ટેજ ખૂબ જ મહત્વના પુરવાર થતાં હોય છે. જેના માટે સેલ્ફ  સ્ક્રીનિંગ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. 

કેન્સર હોય તો મક્કમ મનોબળ પણ દર્દી માટે દવા જેટલો જ મહત્વનો ભાગ ભજવે છે. 40ની વય બાદ પ્રત્યેક મહિલાઓએ દર વર્ષે નિયમિત મેમોગ્રામ ટેસ્ટ કરાવવા જોઇએ. કેટલીક ગાંઠ પીડા આપનારી નહીં હોવાથી અનેક લોકો તેને નજરઅંદાજ કરવાની મોટી ભૂલ કરે છે. હકીકતમાં સહેજપણ શંકા જણાય તો તેના માટે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.’ 

અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં 2 - image


Google NewsGoogle News