ગુજરાતમાં 1.20 લાખથી વધુને એઈડ્સ, દર 1 લાખ વ્યક્તિએ 4ને સંક્રમણ, વર્ષમાં 800નાં મોત
World AIDS Day : ગુજરાતમાં હ્યુમન ઈમ્યુનોડેફિસિએન્સી વાયરસ (એચઆઇવી) વાયરસથી સંક્રમિત એક્વાયર્ડ ઈમ્યુનોડેફિસિએન્સી સિન્ડ્રોમ (એઇડ્સ)ના 1.20 લાખથી વઘુ દર્દીઓ છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ 1 લાખની વસતીએ સરેરાશ ચાર વ્યક્તિ એચઆઇવી સંક્રમણ ધરાવે છે. આ ઉપરાંત એક વર્ષમાં 800 વ્યક્તિએ એઇડ્સ સામે જીવ ગુમાવ્યો છે. 15થી 49ના વયજૂથમાં ગુજરાતમાં એચઆઇવી પ્રિવેલન્સ રેટ 0.19 ટકા છે.
વિશ્વના તમામ લોકોમાં એચઆઇવી-એઇડ્સ વિશે જાગૃતિ આવે તે હેતુસર ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા દર વર્ષે 1 ડિસેમ્બરની ઉજવણી ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે કરવામાં આવે છે.આજના આઘુનિક યુગમાં એચઆઇવી ક્રોનિક મેનેજેબલ ડિસિઝ એટલે કે નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ છે. દરેક એચઆઇવી પોઝિટિવ વ્યક્તિ નિયમિત દવા લઇને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને કુદરતી આયુષ્ય મુજબ જીવન જીવી શકે છે.
તાજેતરમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર નેશનલ એઇડ્સ-એસટીડી કન્ટ્રોલ પ્રોગ્રામ હેઠળ નોંધાયેલા કુલ 84537 દર્દીઓ છે. 2019-20માં આ દર્દીઓની સંખ્યા 71499 હતી. આમ, પાંચ વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 12 ટકાથી વઘુનો વધારો થયો છે. બીજી તરફ ગુજરાત સરકારના દાવા અનુસાર ગુજરાતમાં અનુમાનિત વયસ્ક એચઆઇવી પ્રસાર વર્ષ 2019માં 0.20%થી ઘટીને 2023માં 0.19% થઇ ગયો છે. તેવી જ રીતે, 2019માંએચઆઇવી સંક્રમણ દર પ્રત્યેક 1,00,000 અસંક્રમિત લોકોમાં 6 વ્યક્તિથી ઘટીને વર્ષ 2023માં 4 વ્યક્તિ થઇ ગયો છે.
સરકારના દાવા અનુસાર આ રોગને નિયંત્રણમાં લેવા ગુજરાતમાં 105 એન.જી.ઓ. અને 2 ઓ.એસ.ટી. કેન્દ્રો-ઓપીયાડ સબસ્ટીટ્યુટ સેન્ટર દ્વારા એચઆઇવીની અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એચઆઇવીના સંક્રમણ લાગવાના હાઇ જોખમ ધરાવતા લોકો જેવા કે સમલૈંગિક, દેહ વિક્રય કરતી બહેનો, સ્થળાંતરીત મજૂરો, ટ્રક ડ્રાઇવરો તથા સોય-સીરીંજ દ્વારા ડ્રગ્સનું સેવન કરતા લોકોની જાગૃતિ, તપાસ અને સારવાર કરાવવામાં આવે છે.
એચઆઇવી સ્ક્રીનિંગ કરાવનારાની માહિતી જાહેર કરાતી નથી
સરકારી હોસ્પિટલો ખાતે 261 આઇ.સી.ટી.સી. સેન્ટરો અને 2400 સ્ક્રિનીંગ સેન્ટરો તથા 3 મોબાઇલ વાનમાં એચઆઇવી તપાસની મફત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.સરકારી હોસ્પિટલો ખાતે 60 સેન્ટરોમાં જાતીય રોગની તપાસ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 48 એ.આર.ટી. સેન્ટરો અને 59 લીંક એ.આર.ટી. સેન્ટરો ખાતે એચઆઇવી પોઝિટિવ લોકોને મફત દવા આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિની તપાસ અને સારવારની માહિતી જાહેર કરાતી નથી.
એઇડ્સ કઇ રીતે ફેલાતો નથી...
એક જ કાર્યસ્થળો પર સાથે કાર્ય કરવાથી, એક જ સ્વિમીંગ પુલનો ઉપયોગ કરવાથી, સાથે બેસીને ભોજન લેવાથી, એકબીજાના કપડા પહેરવાથી, મચ્છર કરડવાથી, એક જ ઘરમાં સાથે રહેવાથી, ભેટવાથી, હાથ મિલાવવાથી કે સ્પર્શ કરવાથી ફેલાતો નથી.
ગુજરાતમાં એઇડ્સનો પ્રથમ કેસ સુરતમાં નોંધાયો હતો
વિશ્વમાં એચઆઇવીનો પ્રથમ કેસ વર્ષ 1981માં અમેરિકાના કેલિફોર્નિયામાં દેખાયો હતો. ભારતમાં પ્રથમ કેસ વર્ષ 1986માં ચેન્નાઇ તેમજ ગુજરાતના સુરત ખાતે નોંધાયો હતો. વિશ્વમાં અંદાજિત 3.99 કરોડ, ભારતમાં અંદાજિત 25.44 લાખ લોકો એચઆઇવી સંક્રમણ સાથે જીવન જીવી રહ્યા છે.