'આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી', મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે ઓરેવા કંપનીની ઝાટકણી કાઢી
Morbi Bridge Collapse : મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 135 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. ગત મહિને મોરબી પુલ દુર્ઘટના મામલે આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારે હવે જયસુખ પટેલને હાઈકોર્ટથી પણ મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટમાં મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈને સુનાવણી ચાલી રહી છે. પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી.માયીની ખંડપીઠે ઓરેવા કંપની અને તેના MD જયસુખ પટેલની ઝાટકણી કાઢી હતી. આ સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીએ બિનશરતી માફી માગી હતી. તો પીડિતોના વળતર મામલે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. સોગંદનામું રજૂ કરવાનો હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. 19 મેએ વધુ સુનાવણી હાથ ધરાશે.
સમયસર જવાબ ન આપી શક્યો તે બદલ માફી માંગુ છું : જયસુખ પટેલ
જયસુખ પટેલે હાઇકોર્ટમાં કહ્યું કે, 'અગાઉ કોર્ટના આદેશ બાદ સમયસર જવાબ ન આપી શક્યો તે બદલ માફી માંગુ છું. હાઇકોર્ટના આદેશનું પાલન કરવા હું બંધાયેલો છું અને હંમેશા પાલન કરીશ.'
સોગંદનામું રજૂ કરવાનો હાઈકોર્ટનો નિર્દેશ
ગુજરાત હાઇકોર્ટે કંટેમ્પ્ટ કાર્યવાહી શા માટે શરૂ ન કરવી તે અંગે ખુલાસો કરવા કંપનીને નોટિસ આપી હતી. ઓરેવા વતી તેમના એકાઉન્ટે પણ હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. પીડિતોને આપવામાં આવનાર આર્થિક વળતર અને તેની પદ્ધતિ મામલે સોગંદનામુ કરાયું હતું. અત્યાર સુધી આપવામાં આવેલા વળતર અને આગામી વળતર મામલે પણ સોગંદનામું કરાયું હતું.
'ઓરેવા કંપનીએ પીડિતો માટે કંઈ જ નથી કર્યું'
હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, હાઇકોર્ટના અગાઉના સ્પષ્ટ આદેશો છતાંય પીડિતોને કાયમી નાણાકીય સહાય અને તેમના વિવિધ મુદ્દાના નિવારણ માટે ટ્રસ્ટના ગઠન સંદર્ભે ઓરેવા કંપનીએ કંઇ જ કર્યું નથી. જે દર્શાવે છે કે કંપની અને એના ડિરેક્ટર બદઇરાદા પૂર્વક અને જાણીજોઇને કોર્ટના આદેશોને અવગણી રહ્યા છે. તમારી ભૂલની લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
'આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી'
હાઇકોર્ટે પૂછ્યું કે, કંપનીએ કાયમી વળતર અંગે શું વિચાયું છે? કંપનીની CSR જવાબદારીઓનું શું? કંપની આ દુર્ઘટનામાં દોષિત છે, જે દોષ ક્ષમા યોગ્ય નથી ત્યારે કંપનીએ પીડિતો માટે કંઇક વધારે કરવું પડે, આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી. કંપનીએ જ્યારે બ્રિજનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે તેણે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી તે તમારી જવાબદારી બને છે. કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે. તમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે તેમ નથી. તમે જાહેર મિલકત સાથે રમત રમી છે, પીડિતોને વધારે આપવાની તમારી જવાબદારી છે.