Get The App

ક્લાયમેટ ચેન્જની ગુજરાતમાં માઠી અસર, વરસાદની પેટર્ન બદલાઈ, ઓછા સમયમાં વધુ મેઘ મહેર થવા લાગી

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Monsoon In Gujarat


Monsoon In Gujarat: ગુજરાતમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. ક્લાયમેટ ચેન્જને કારણે ગુજરાતમાં વરસાદની આખી પેટર્ન બદલાઈ ગઈ છે. રાજ્યમાં અતિથી અતિભારે વરસાદ પડવાની ઘટનામાં વધારો નોંધાયો છે. ખેડૂતો માટે પણ માઠા સમાચાર એ છે કે, નિષ્ણાતોનું માનવું છે કે, જો આ જ પરિસ્થિતિ રહી તો પૂરની ઘટનાઓમાં વધારો થશે તે દિવસો દૂર નથી.

વરસાદની પેટર્નમાં ફેરફાર 

ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદની પેટર્નમાં ફેરફાર થયો છે. આ કારણોસર ગુજરાતમાં પણ વરસાદનું આખું ચિત્ર બદલાયું છે. હવે એવું જોવા મળી રહ્યું છે કે, વરસાદ જ્યાં પડે ત્યાં એકધારો ખાબકે છે. જ્યારે અન્ય ઠેકાણે વરસાદનું ટીપુંં પણ પડતું નથી. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં એવા તારણો રજૂ કરાયા છે કે, છેલ્લા ઘણા સમયથી ભારતના વિવિધ ભાગોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પવનની પેટર્નમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. દરિયાની જળસપાટી ચિંતાજનક હદે વધી રહી છે. વરસાદની બદલાયેલી પેટર્ન માટે આ બધા જવાબદાર પરિબળો છે.

આ પણ વાંચો:  નર્મદા નદીમાં ઘોડાપૂર: ડેમમાંથી પાણી છોડાતાં 25 ગામોમાં ઍલર્ટ, અધિકારીઓને પણ કડક સૂચના

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું


ગુજરાતમાં વરસાદની તીવ્રતા ક્રમશ: વધી રહી છે. ક્લાયમેટ ચેન્જને લીધે જ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે, વર્ષ 2021માં ગુજરાતમાં 634 વખત અઢીથી માંડીને સાડા ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આ દરમિયાન એવું બન્યું કે, 174 વખત સાડા 4થી માંડીને 8 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. 18 વખત તો 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વર્ષ 2023માં 635 વખત અઢીથી માંડીને સાડા ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો. જ્યારે 264 વખત સાડા ચારથી માંડીને 8 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. 49 વખત 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. 

ક્લાયમેટ ચેન્જની ગુજરાતમાં માઠી અસર, વરસાદની પેટર્ન બદલાઈ, ઓછા સમયમાં વધુ મેઘ મહેર થવા લાગી 2 - image

અતિભારે વરસાદ નુકસાનકારક

ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેને લઈને આગામી દિવસોમાં પૂર આવવાની ઘટનાઓમાં પણ વધારો થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પૂરતો વરસાદ જ ખેડૂતો માટે ફાયદાકારક છે. પરંતુ અતિભારે વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભારે વરસાદ થાય તો ખેતીને વ્યાપકપણે નુકસાન થાય છે તેથી પાક ઉત્પાદન પર પણ અસર થાય છે. આ જોતાં જ અતિશય ભારે વરસાદ પડવાની ઘટનાથી ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. વરસાદની આ જ પેટર્નને કારણે વાદળ ફાટવાની સાથે સાથે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. આમ પર્વતીય વિસ્તારોમાં બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી રહી છે.

ગુજરાતના 42 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ

ગુજરાતમાં અત્યારસુધી 42 તાલુકા એવા છે, જેમાં 40 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આ સિવાય 73 તાલુકામાં 20થી 40 ઇંચ, 101 તાલુકામાં 10થી 20 ઇંચ, 35 તાલુકામાં 5થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. 5 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી.

ક્લાયમેટ ચેન્જની ગુજરાતમાં માઠી અસર, વરસાદની પેટર્ન બદલાઈ, ઓછા સમયમાં વધુ મેઘ મહેર થવા લાગી 3 - image


Google NewsGoogle News