'બેટી બચાવો, બેટી પઢાવો' યોજનામાં અડધોઅડધ પૈસા નહીં વપરાય, સરકારની સહાનુભૂતિ માત્ર નામ પૂરતી
Beti Bachao, Beti Padhao Scheme: ભાજપના રાજમાં બેટી બચાવો, બેટી પઢાવો સૂત્ર ખૂબ ગાજ્યું છે. આ સૂત્રની ગુંજ થકી રાજ્ય સરકારે કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેવો દેખાડો કર્યો છે. કડવી હકીકત એ છે, વર્ષ 2024-24માં બેટી બચાવો, બેટી પઢાઓ યોજના નાણા ફાળવ્યા હતા તેમાંથી અડધો અડધ નાણાં વણ વપરાયેલા પડ્યાં રહેશે. મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં મહિલા અને બાળકો પાછળ કુલ બજેટમાં થતો ખર્ચ ધીરે ધીરે ઘટી રહ્યો છે. આ પરથી એક વાત સ્પષ્ટ છે કે, ગુજરાત સરકારની મહિલા અને બાળકો પ્રત્યેની સહાનુભૂતિ એ માત્ર દેખાડો જ છે.
બેટી બચાવો, બેટી પઢાવો યોજનામાં 10.60 કરોડ રૂપિયા ફાળવ્યાં
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા થાય રક્ષણ થાય આ ઉપરાંત બાળકોના પોષણ સહિત વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ થાય તે માટે રાજ્ય સરકાર દર વર્ષ બજેટમાં રકમ ફાળવે છે. બજેટનું વિશ્લેષણ કરતા એ વાત બહાર આવી છે કે, વર્ષ 2023-24માં કુલ બજેટમાં મહિલા અને બાળ કલ્યાણ પાછળ કુલ 1.97ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે 2024-26માં આ ટકાવારી ઘટીને 1.79 ટકા થઈ છે. રાજ્ય સરકારે આ જ વર્ષ દરમિયાન બેટી બચાવો, બેટી પઢાવો યોજના માટે 10.60 કરોડ રૂપિયા ફાળવ્યાં, પરંતુ માત્ર 5.300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
વિદ્યાર્થીનોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ યોજના પાછળ માત્ર અડધો અડધ ખર્ચ થવા જઈ રહ્યો છે. 5.30 કરોડ રૂપિયાની રકમ વણવપરાયેલી રહેશે.
વર્ષ 2024-25 રાજ્ય મહિલા આયોગ પાછળ 2.48 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે 1.49 લાખનો ખર્ચ થયો છે. એટલે 60 લાખ રૂપિયા વણવપરાયેલા રહેશે. આ જ પ્રમાણે રાજ્યના નારી અદાલતો માટે 9.15 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે 3.14 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે એ જોતાં 6 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ નહીં વપરાય. મહિલા માર્ગદર્શન કેન્દ્ર માટે પણ ચાર કરોડ ફાળવ્યા હતા. 3.20 કરોડ ખર્ચ થઈ શકે છે ત્યારે એક કરોડ રૂપિયા ગ્રાન્ટ વપરાશે નહીં.
એક વાત સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર મોટા ઉપાડે મહિલાઓને બાળ કલ્યાણ વિશે જાહેરાતો કરે છે અને બજેટમાં નાણા ફાળવે છે. પરંતુ તેમના વિકાસ પાછળ ખર્ચ કરવામાં પાછી પાની કરે છે. તે આ બજેટ પરથી સાબિત થાય છે. વિવિધ વિભાગોમાં મહિલાઓને મહિલાઓ પાછળ બજેટની રકમ ઘટાડી છે.