અમદાવાદથી થરાદ વચ્ચે બનશે સિક્સ લેન હાઇસ્પીડ રોડ કોરિડોર, મોદી કેબિનેટમાં મોટો નિર્ણય, જાણો ખાસિયત
National High-Speed Road Corridor Projects : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેબિનેટે 50 હજાર કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના આઠ મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે પત્રકાર પરિષદમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી હતી.
50 હજાર કરોડના ખર્ચે 936 કિલોમીટરના આઠ હાઈ-સ્પીડ કોરિડોર બનાવાશે
વૈષ્ણવે કહ્યું હતું કે, 'આજે (2 ઓગસ્ટ) 50 હજાર કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના આઠ મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટની પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે દેશભરમાં લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાની સાથે-સાથે ભીડ ઘટાડવા અને કનેક્ટિવિટી વધારવામાં આ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોર વધુ ઉપયોગી સાબિત થશે.'
થરાદ-અમદાવાદ સિક્સ લેન હાઇવેની ખાસિયતો
થરાદથી અમદાવાદ વચ્ચે કુલ 214 કિમી લાંબો નેશનલ હાઇસ્પીડ રોડ કોરિડોર બનાવવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર આ હાઇવેનો કુલ ખર્ચ 10 હજાર 534 કરોડ રૂપિયા આવશે. હાઇસ્પીડ રોડ કોરિડોરના કારણે ડીસા, પાલનપુર, મહેસાણાને લાભ મળશે. SEZ વિસ્તારો, ફાર્મા તથા ઈલેક્ટ્રોનિક ક્લસ્ટર્સને સારી કનેક્ટિવિટી મળી રહેશે. સરકારનો દાવો છે કે કોરિડોર બન્યા બાદ માલ-સામાન લઈ જવાનો સમય પાંચથી છ કલાકથી ઘટીને ત્રણથી સાડા ત્રણ કલાકનો રહી જશે. આટલું જ નહીં ઉત્તર ગુજરાતનાં લોકોને મુંબઈ સુધીની સારી કનેક્ટિવિટી મળશે.
રેલ્વે મંત્રીએ શું કહ્યું?
રેલ્વે મંત્રીએ કહ્યું કે, '6 લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઈસ્પીડ રોડ કોરિડોરના નિર્માણથી આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનો મુસાફરીના સમયમાં 50 ટકા ઘટાડો થશે. જ્યારે કાનપુર-મૃગ્રામ કોરિડોર પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવશે. આ સાથે કાનપુર રિંગ રોડ કાનપુરની આસપાસના હાઇવે થકી ભીડ ઘટાડશે. રાયપુર-રાંચી કોરિડોર પૂર્ણ થવાથી ઝારખંડ અને છત્તીસગઢના વિકાસનો માર્ગ ખુલશે. આ ઉપરાંત, ગુજરાતમાં કોઈ પ્રકારની રોકટોક વગર પોર્ટ કનેક્ટિવિટી માટે હાઇ સ્પીડ રોડ નેટવર્કનું નિર્માણ અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા થરાદ અને અમદાવાદ વચ્ચે નવો કોરિડોર તૈયાર કરવામાં આવશે.
આઠ હાઇ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ
6-લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
4-લેન ખારાપુર-મોરેગ્રામ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
6-લેન થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
4-લેન અયોધ્યા રિંગ રોડ
4-લેન પથલગાંવ અને ગુમલા રાયપુર-રાંચી નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
6-લેન કાનપુર રિંગ રોડ
4-લેન ઉત્તર ગુવાહાટી બાયપાસ અને હાલના ગુવાહાટી બાયપાસને પહોળો કરાશે.
8-લેન પુણે નજીક એલિવેટેડ નાશિક ફાટા-ખેડ કોરિડોર
4.42 કરોડનો રોજગાર મળવાની અપેક્ષા
ગુવાહાટી રિંગ રોડથી ઉત્તર પૂર્વમાં સરળતાથી પહોંચવાની સુવિધા મળશે. જ્યારે અયોધ્યાની યાત્રા વધુ ઝડપી રીત થઈ શકશે. પુણે અને નાસિક વચ્ચેનો 8-લેન એલિવેટેડ ફ્લાયઓવર કોરિડોર બનાવાથી લોજિસ્ટિક્સ ખર્ચની સમસ્યા દૂર થશે. આ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કર્મચારી અને શ્રમિકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુલ લગભગ 4.42 કરોડનો રોજગાર મળવાની અપેક્ષા છે.